ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી હવે નેપાળના જનરલ પણ બની ગયા છે. આશ્ચર્ય પામશો નહીં, કારણ કે નેપાળી સેનાએ ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીને “જનરલનું માનદ પદવી” એનાયત કર્યું છે. વાસ્તવમાં જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આ દિવસોમાં નેપાળના પ્રવાસે છે. શુક્રવારે, તેમણે સિંહ દરબારમાં સ્થિત વડાપ્રધાન કાર્યાલય ખાતે નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલી સાથે સૌજન્ય મુલાકાત લીધી હતી. નેપાળ સેનાના એક નિવેદન અનુસાર, જનરલ દ્વિવેદીએ શુક્રવારે સંરક્ષણ મંત્રાલયમાં સંરક્ષણ પ્રધાન મનવીર રાય સાથે સૌજન્ય મુલાકાત પણ કરી હતી.
નેપાળના વડા પ્રધાન સચિવાલયના જણાવ્યા અનુસાર, આ અવસર પર ઓલીએ નેપાળ અને ભારત વચ્ચે એકબીજાના સેના પ્રમુખોને આર્મી જનરલનો માનદ રેન્ક આપવાની પરંપરા ચાલુ રાખવા પર ખુશી વ્યક્ત કરી હતી. ઓલીએ બંને દેશો વચ્ચે સહયોગ અને સંબંધોને વધુ વિસ્તૃત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. જનરલ દ્વિવેદીએ કહ્યું કે તેઓ નેપાળ આર્મીના માનદ જનરલ બનવા માટે ગર્વ અને ભાગ્યશાળી અનુભવે છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ દ્વિપક્ષીય સંબંધોને વધુ વિસ્તૃત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે.
નેપાળના રાષ્ટ્રપતિએ તેમને જનરલની પદવીથી સન્માનિત કર્યા
રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ દ્વારા ગુરુવારે રાષ્ટ્રપતિ ભવન શીતલ નિવાસ ખાતે ભારતીય સેના પ્રમુખને નેપાળ આર્મીના જનરલનો માનદ રેન્ક એનાયત કરવામાં આવ્યો હતો. પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા જનરલ દ્વિવેદી તેમના નેપાળી સમકક્ષ સિગ્ડેલના આમંત્રણ પર બુધવારે પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે નેપાળ પહોંચ્યા હતા. ગુરુવારે, જનરલ દ્વિવેદીએ તેમના નેપાળી સમકક્ષ જનરલ અશોક કુમાર સિગડેલ સાથે મુલાકાત કરી અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી.