અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વ ભાગમાં બે માર્ગ અકસ્માતોએ ખળભળાટ મચાવી દીધો હતો. ગુરુવારે આ સંબંધમાં માહિતી આપતા સરકારના પ્રવક્તાએ કહ્યું કે આ બે અકસ્માતોમાં 50 લોકોના મોત થયા છે, જ્યારે 76 લોકો ઘાયલ થયા છે.
હકીકતમાં બુધવારે મોડી રાત્રે કાબુલ-કંધાર હાઇવે પર એક પેસેન્જર બસ એક ઓઇલ ટેન્કર સાથે અથડાઇ હતી. આ જ હાઈવે પર અન્ય એક વિસ્તારમાં પણ અકસ્માત થયો હતો. કાબુલ-કંદહાર હાઇવે અફઘાનિસ્તાનની રાજધાનીને દક્ષિણમાં જોડે છે.
ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે
ગઝની પ્રાંત સરકારના પ્રવક્તા હાફિઝ ઉમરે કહ્યું, ‘અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ગઝનીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે.
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ લોકોને કાબુલ રિફર કરવામાં આવ્યા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનમાં ખરાબ રસ્તાઓ અને ડ્રાઇવરોની બેદરકારીને કારણે રોડ અકસ્માતો સામાન્ય છે.