ચીન છોડનારી કંપનીઓને આકર્ષવા માટે ભારત યૂરોપિયન દેશ લક્ઝમબર્ગથી આશરે બે ગણા આકારનો લેન્ડ પુલ વિકસાવી રહ્યું છે. ત્યારે આ બાબતની જાણકારી ઘરાવતા સૂત્રોએ આ માહિતી આપી છે. આ સૂત્રોએ જણાવ્યું કે, આના માટે દેશભરમાં 4,61,589 હેક્ટર જમીનને ચિન્હિત કરવામાં આવી છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ તથા આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં 1,15,131 હેક્ટર જમીન ઈન્ડસ્ટ્રિયલ લેન્ડ છે. વર્લ્ડ બેંક અનુસાર લક્ઝમબર્ગ કુલ 2,43,000 હેક્ટરમાં ફેલાયેલું છે. ભારતમાં રોકાણ કનારા માટે ઓછામાં ઓછા સમયમાં જમીનની ઉપલબ્ધતા મોટી સમસ્યા રહી છે. સાઉદી અરામકોથી લઈને પોસ્કો જેવી કંપનીઓ ભૂમિ અધિગ્રહણમાં વિલંબથી અત્યંત પરેશાન છે.
ત્યારે બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર રાજ્ય સરકારો સાથે મળીને આના માટે કામ કરી રહી છે. ત્યારે હકીકતમાં કોરોના વાયરસની મહામારી બાદ ચીનમાં કામ કરી રહેલી વિદેશી કંપનીઓ હવે બેઈજિંગ છોડવાનો વિચાર કરી રહી છે અને આનો ફાયદો ભારત ઉઠાવવા માગે છે. વર્તમાન સમયમાં ભારતમાં ફેક્ટરી લગાવવાવાળી કંપનીઓને પોતાની જમીન ખરીદવી પડે છે. કેટલાક કેસોમાં ભૂમિ અધિગ્રહણમાં વિલંબને કારણે પ્રોજેક્ટ ખોરંભે ચઢી જાય છે. તેમજ જમીનની સાથે-સાથે વિજળી, પાણી તથા રોડની પહોંચ ઉપલબ્ધ કરાવાથી ભારત જેવી અર્થવ્યવસ્થાને નવું રોકાણ આકર્ષિત કરવામાં મદદ મળશે. જયારે કોરોના વાયરસ મહામારીને કારણે કરવામાં આવેલા લોકડાઉનથી ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિ અત્યંત ખરાબ થઈ રહી છે.
સૂત્રો અનુસાર, જે વિસ્તારોમાં વૈશ્વિક સ્તરે અગ્રણી બનવા તથા દેશને વિનિર્માણનો ગઢ બનવવાની ક્ષમતા છે, તેની ઓળખ કરવા માટે ઉદ્યોગ મંડળો સહિત વિભિન્ન સંબંધિત પક્ષોની સાથે ઘણી બેઠકો થઈ છે. એક સૂત્રે જણાવ્યું કે, 12 એવા અગ્રણી ક્ષેત્રો છે જેના પર ધ્યાન આપવામાં આવી શકે છે. આમાં મોડ્યૂલર ફર્નિચર, ખાદ્ય પ્રસંસ્કરણ (રેડી ટૂ ઈટ ફૂટ), કૃષિ રસાયણ, કાપડ, એર કન્ડિશન, મૂડીગત સામાન, દવા અને વાહનોના સ્પેર પાર્ટ્સ શામેલ છે.રોજગારની તકો પણ વધશે.