ઇન્ડોનેશિયામાં ડ્રગ્સની હેરાફેરી બદલ ત્રણ ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજા થઈ શકે છે. શુક્રવારે એક મીડિયા રિપોર્ટમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી. આરોપીઓ પર સિંગાપોરના ધ્વજવાળા જહાજમાં 106 કિલો ‘ક્રિસ્ટલ મેથ’ની દાણચોરી કરવાનો આરોપ છે.
ત્રણેય તમિલનાડુના રહેવાસી
પોલીસે જણાવ્યું હતું કે, રાજુ મુથુકુમારન (38), સેલ્વાડુરાઈ દિનાકરણ (34) અને ગોવિંદસામી વિમલકંધન (45) ની જુલાઈ 2024 માં ઇન્ડોનેશિયાના કરીમુન જિલ્લામાં પોંગકર જળસીમામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય તમિલનાડુના રહેવાસી છે અને સિંગાપોરમાં શિપિંગ ઉદ્યોગમાં કાર્યરત હતા.
જહાજમાંથી ડ્રગ્સ મળી આવ્યું
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતીના આધારે ઇન્ડોનેશિયન અધિકારીઓએ ‘લેજેન્ડ એક્વેરિયસ કાર્ગો’ જહાજને રોકી દીધું હતું. તપાસ દરમિયાન, આ જહાજમાંથી મોટી માત્રામાં માદક દ્રવ્યો મળી આવ્યા હતા. કોર્ટની સુનાવણી દરમિયાન, બચાવ પક્ષે કહ્યું કે જહાજના કેપ્ટનની જુબાની જરૂરી હતી, પરંતુ તે ફક્ત વર્ચ્યુઅલી હાજર થયો હતો જેના કારણે ઊલટતપાસ થઈ શકી નહીં.
નિર્ણય 15 એપ્રિલે આવી શકે છે
બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે કેપ્ટનની જાણકારી વિના આટલા મોટા પાયે ડ્રગ્સની દાણચોરી શક્ય નહોતી. ફરિયાદ પક્ષે આરોપી માટે ‘મૃત્યુદંડ’ની માંગણી કરી છે. ઇન્ડોનેશિયન નેશનલ નાર્કોટિક્સ એજન્સીના વડા માર્થિનસ હુકોમે જણાવ્યું હતું કે ત્રણેય ભારતીય નાગરિકો હતા જેમની પાસે ડ્રગ્સ હતા. આ કેસમાં ચુકાદો 15 એપ્રિલે આવવાની અપેક્ષા છે.