કોરોના મહામારીએ દુનિયાની આર્થિક અને સામાજિક રીતે કમર તોડીને રાખી દીધી છે. આ સમયે દરેક લોકોને કોરોનાની વેક્સીન આવવાની રાહ છે. આ વચ્ચે રશિયાથી મહત્વના સમાચાર આવ્યાં છે.
રશિયા બે અઠવાડિયાથી ઓછા સમયમાં દુનિયાની પહેલી કોરોના વેક્સીનની મંજૂરી આપી શકે છે. આ જાણકારી સીએનએનએ પોતાના રિપોર્ટમાં આપી છે. રશિયાના અધિકારીઓએ સીએનએનને જણાવ્યું કે તેઓ વેક્સીનની મંજૂરી માટે 10 ઓગસ્ટ અથવા તે પહેલાની તારીખ પર કામ કરી રહ્યાં છે. આ વેક્સીનને મોસ્કોમાં આવેલા ગમલેયા ઇન્સ્ટીટયૂટ દ્વારા બનાવામાં આવી છે.
મળતી વિગત અનુસાર વેક્સીનને પબ્લિક વપરાશ માટે મંજૂરી આપવામાં આવશે. ફ્રંટલાઇન આરોગ્ય વર્કર્સોને આ પહેલા મળી જશે. પરંતુ રશિયાએ હજુ સુધી વેક્સીનની ટ્રાયલનો કોઇ ડેટા જારી કર્યો નથી.
આપને જણાવી દઇએ કે દુનિયામાં હાલમાં ઘણી જગ્યાએ વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. કેટલાંક દેશોમાં વેક્સીનનું ટ્રાયલ ત્રીજા તબક્કામાં છે, રશીયાની વેક્સીનને પોતાનો બીજો તબક્કો પુરો કરવાનો બાકી છે.
3 ઓગસ્ટ સુધી આ તબક્કાને પુરો કરવાની યોજના બનાવી છે, ત્યાર બાદ ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરવામાં આવશે. રશિયાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વેક્સીન જલ્દી તૈયાર કરી લીધી છે, કારણ કે આ પહેલાથી જ આ પ્રકારની અન્ય બિમારીઓથી લડવામાં સક્ષમ છે. આ જ દ્રષ્ટિકોણ કેટલાક અન્ય દેશ અને કંપનીઓનો છે.
જ્યારે રક્ષા મંત્રાલયનું કહેવું છે કે રશિયન સૈનિકોએ હ્યુમન ટ્રાયલમાં વોલંટિયર્સ તરીકે કામ કર્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે પરિયોજનાના નિદેશક અલેકઝેંડર ગિન્સબર્ગે પોતે આ વેક્સીન લીધી છે. અધિકારીએ જણાવ્યું કે વૈશ્વિક મહામારી અને રશિયામાં વધતા કોરોના સંકટના કારણે દવાને મંજૂરી આપવાની દિશામાં ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.