અમેરિકાએ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) સહિત ભારતના ત્રણ ટોચના પરમાણુ સંસ્થાઓ પરના પ્રતિબંધો હટાવી લીધા છે. આનાથી અમેરિકા માટે ભારત સાથે નાગરિક પરમાણુ ટેકનોલોજી શેર કરવાનો માર્ગ મોકળો થશે. આ જાહેરાત બિડેન વહીવટીતંત્રના કાર્યકાળના છેલ્લા અઠવાડિયામાં અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનની ભારત મુલાકાતના એક અઠવાડિયા પછી કરવામાં આવી છે. આ પ્રતિબંધ અમેરિકા દ્વારા 1998માં પોખરણમાં પરમાણુ પરીક્ષણો કરવા અને પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર ન કરવા બદલ લાદવામાં આવ્યો હતો. એટલું જ નહીં, અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષાને લગતા પ્રતિબંધોની યાદીમાં 11 ચીની સંસ્થાઓનો ઉમેરો કર્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ બ્યુરો ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સિક્યુરિટી (BIS) એ આ વાતની પુષ્ટિ કરી છે.
આ સંસ્થાઓ પરથી પણ પ્રતિબંધ હટાવાયો
યુએસ બ્યુરો ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સિક્યુરિટી (BIS) અનુસાર, BARC ઉપરાંત, ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ (IGCAR) અને ઇન્ડિયન રેર અર્થ્સ (IRE) પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ત્રણેય સંસ્થાઓ ભારતના પરમાણુ ઊર્જા વિભાગ હેઠળ કાર્ય કરે છે. “આ નિર્ણયનો હેતુ સંયુક્ત સંશોધન અને વિકાસ અને વિજ્ઞાન અને ટેકનોલોજી સહયોગ સહિત અદ્યતન ઉર્જા સહયોગમાં અવરોધો ઘટાડીને યુએસ વિદેશ નીતિના ઉદ્દેશ્યોને સમર્થન આપવાનો છે, જે સહિયારી ઉર્જા સુરક્ષા જરૂરિયાતો અને લક્ષ્યો તરફ દોરી જશે,” BIS એ જણાવ્યું હતું.
અમેરિકાએ આપ્યા હતા સંકેતો
પ્રતિબંધ હટાવવાના નિર્ણયને ભારત અને અમેરિકા વચ્ચેના નાગરિક પરમાણુ કરારના અમલીકરણને સરળ બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. ભારતની મુલાકાત દરમિયાન, જેક સુલિવાને કહ્યું હતું કે ભાગીદારીને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભરવાનો સમય આવી ગયો છે. અમેરિકામાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત તરનજીત સિંહ સંધુએ આ પગલાનું સ્વાગત કર્યું અને તેને ભારત-અમેરિકા ભાગીદારીને ગાઢ બનાવવાના પરિણામે ગણાવ્યું.