દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચિલીના સ્થાનિક સમય અનુસાર અહીં 6.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ભૂકંપના કારણે ચિલીના પ્રભાવિત વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે.યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, ચિલીના એન્ટોફાગાસ્તામાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. EMSC એ અહેવાલ આપ્યો કે ભૂકંપનું કેન્દ્ર 104 કિલોમીટર (64.62 માઈલ) ની ઊંડાઈ પર હતું.
તમને જણાવી દઈએ કે ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ તીવ્રતાનો ભૂકંપ માત્ર ચિલીમાં જ નોંધાયો છે.ચિલી એ ભૂકંપની સંભાવના ધરાવતા દેશોમાંનો એક છે, જ્યાં પ્લેટ ટેકટોનિક્સના કારણે વારંવાર ભૂકંપ આવે છે. ઇતિહાસમાં અહીં અનેક ગંભીર ભૂકંપ નોંધાયા છે. 1960માં વાલ્ડિવિયામાં આવેલા 9.5ની તીવ્રતાનો ભૂકંપ અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ માનવામાં આવે છે. તેવી જ રીતે, 2010માં કોન્સેપ્સિયનમાં આવેલા 8.8ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો હતો.
ચિલીની સરકાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. સ્થાનિક સ્તરે રાહત અને બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. નાગરિકોને સલામત સ્થળોએ રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.