સોશિયલ મિડિયાની વાત આવે ત્યારે સૌથી પહેલા વોટ્સએપનું નામ સામે આવતુ હોય છે,દુનિયાની સૌથી પોપ્યુલર ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સ તેના યુઝર્સ માટે નવા-નવા ફીચર્સ લાવતું રહે છે. કંપની હવે એક નવા ફીચર પર કામ કરી રહી છે. જેમાં Sharechat વીડિયો ડાયરેક્ટ વોટ્સએપ પર જોઈ શકાશે.
હાલ વોટ્સએપ પર પિક્ચર-ઈન-પિક્ચર મોડ દ્વારા યૂટ્યૂબ અને ફેસબુકના વીડિયો જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે, Sharechat ભારતનું એક એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જે ચીનની એપ્સ બેન થયા બાદ તેના યુઝર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે.
વોટ્સએપના આ નવા ફીચરની જાણકારી WABetaInfoએ આપી છે. રિપોર્ટ મુજબ, શેરચેટ વીડિયો સર્વિસનો સપોર્ટ લેટેસ્ટ વોટ્સએપ બીટા વર્ઝનમાં આપવામાં આવ્યું છે. જેના દ્વારા શેરચેટ વીડિયોને વોટ્સએપમાં જ પ્લે કરી શકાશે.
જો કોઈ કોન્ટેક્ટ તમને શેરચેટનો વીડિયો મોકલે છે તો વીડિયો પ્લે કરવા માટે તમારે શેરચેટની એપ કે વેબસાઈટ પર જવાની જરૂર નહીં પડે. વીડિયોના પ્લે આઈકન પર ક્લિક કરતાં જ આ વોટ્સએપના પિક્ચર ઈન પિક્ચર મોડમાં શરૂ થઈ જશે. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ માટે રહેશે.
શેરચેટ એ દેશની પ્રાદેશિક ભાષાની સોશિયલ મીડિયા એપ છે. દેશભરમાં તેના 6 કરોડથી વધુ મંથલી એક્ટિવ યુઝર્સ છે. ખાસ વાત એ છે કે આ એપ હિન્દી, મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી, તેલુગુ, તમિલ, બંગાળી, ઓડિયા, કન્નડ, આસામી, હરિયાણવી, રાજસ્થાની, ભોજપુરી અને ઉર્દૂ સહિત 15 ભાષાઓને સપોર્ટ કરે છે.
બેંગલુરુ સ્થિત શેરચેટે ગયા મહિને અહેવાલ આપ્યો હતો કે તેના શોર્ટ વીડિયો પ્લેટફોર્મ મોજએ એક અઠવાડિયામાં જ પ્લે સ્ટોર પર 50 લાખ ડાઉનલોડ્સને પાર કરી ગયું છે.