કોરોના વાયરસના કારણે અત્યારે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે,જેના કારણે હજારો લોકો અલગ-અલગ વિસ્તારમાં ફસાયેલા છે. ઘરે પહોંચવા માટે રાહ જોઈ રહ્યા છે.આવો જ એક બનાવ તેલંગાણામાં જોવા મળ્યો.અહીં એક માતાએ પોતાના પુત્રને ઘરે લાવવા માટે સ્કૂટી લઈને 1400 કિમીનું અંતર કાપ્યું. તે નિઝામાબાદથી આંધ્રપ્રદેશના નેલ્લોર માટે સોમવારે નિકળી અને બુધવાર સાંજે ઘરે પરત ફરી હતી. નિઝામાબાદથી નેલ્લોરનું અંતર 700 કિમી છે.
48 વર્ષની આ મહિલા રઝિયા બેગમે કહ્યું કે મારો પરિવાર નાનો છે. બે પુત્ર છે. 15 વર્ષ પહેલા પતિનું નિધન થયું છે. મોટો પુત્ર એન્જિનિયર છે અને નાનો પુત્ર નિઝામુદ્દીન હાલ અભ્યાસ કરે છે. તે ડોક્ટર બનવા માંગે છે. તે નેલ્લોરમાં હતો. એક મહિલા માટે ટૂ-વ્હીલર ઉપર આટલું અંતર કાપવું સરળ નથી. પરંતુ પુત્રને પરત લાવવાની મારી ઈચ્છા શક્તિ આગળ મારો ડર જતો રહ્યો. મેં રોટલીઓ પેક કરી અને નિકળી પડી. રાતમાં માર્ગ ઉપર કોઈ વાહન ન હતા. તેનાથી ડર લાગતો હતો, છતા હું હિંમત હાર્યો નહીં. રઝિયા નિઝામાબાદ સ્થિત એક સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ છે.
નિઝામુદ્દીન મિત્રને મૂકવા માટે ગયો અને ફસાઈ ગયો
રઝિયા બેગમે કહ્યું કે નિઝામુદ્દીન 12 માર્ચના રોજ મિત્રને છોડવા માટે નેલ્લોર ગયો હતો. આ દરમિયાન કોરોના વાઈરસના કારણે લોકડાઉન થઈ ગયું અને તે પરત ફરી ન શક્યો. મોટા પુત્રને હું મોકલી શકું તેમ ન હતી, કારણ કે તેને લઈને ઘણી આશંકા હતી. એટલા માટે મેં જાતે જવાનો નિર્ણય કર્યો.