નવરાત્રિ ઉપાસના અને આરાધનાનુ પર્વ છે. આ દિવસો દરમિયાન ભક્તો માતાના આરાધનામાં લીન થઈ જાય છે. નવરાત્રિ પર્વ પર જો માતાની ઉપાસના કરવામાં આવે તો પરમ આનંદ મળે છે. આપણે જાણીએ છીએ કે, કોઈ પણ કાર્ય જે બધા એકત્ર થઈને કરીએ તો સમાજની એકતા મજબૂત થાય છે. સમાજ સંગઠિત થાય તો રાષ્ટ્રીય એકતા પણ મજબૂત થાય. તેથી માતાની ઉપાસના સામૂહિક રૂપે કરવાથી આનંદ મળે છે.
દુર્ગામાતાની આરાધના માટે નવરાત્રિનો સમય સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. હિંદુ પંચાંગ મુજબ આસો મહિનાની સુદ એકમે નવરાત્રિ પ્રારંભ થાય છે. આ શુભ સમયે માતાના અલગ અલગ નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. એવી લોકમાન્યતા છે કે, આ દરમિયાન દૂર્ગા માની વિશેષ પૂજા કરવાથી મનવાંછિત ફળ મળે છે. આજે અમે તમને કલ્યાણકારી આસો નવરાત્રિ સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે જણાવીશું.
વર્ષમાં માતાને સમર્પિત નવરાત્રિનો પર્વ ચાર વખત આવે છે. જેમાં ચૈત્ર નવરાત્રિ,આસો નવરાત્રિ અને બે ગુપ્ત નવરાત્રિ સામેલ છે. ગુપ્ત શક્તિઓ માટે આરાધના કરતા ભક્તો માટે ગુપ્ત નવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વળી, સામાન્ય લોકો માટે ચૈત્ર નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. નવરાત્રિનો દરેક દિવસ માતાના અલગ રૂપને સમર્પિત હોય છે.
આસો નવરાત્રિની પૌરાણિક કથા શાસ્ત્રો અનુસાર નવરાત્રિનો તહેવાર મનાવવા પાછળ મુખ્ય બે કારણ છે. પહેલી પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. તે બ્રહ્માજીનો પરમ ભક્ત હતો. તેણે પોતાની કઠોર તપસ્યાથી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને એક વરદાન મેળવી લીધુ. વરદાનમાં તેણે માંગ્યુ કે કોઈ પણ દેવ, દાનવ કે પૃથ્વી પર રહેતો કોઈ પણ મનુષ્ય તેને મારી નહિ શકે. વરદાન મળ્યા બાદથી મહિષાસુર ખૂબ જ નિર્દયી થઈ ગયો. તેણે ત્રણે લોકમાં આતંક મચાવી દીધો. તેના આતંકથી પરેશાન થઈને દેવી દેવતાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે મળીને મા શક્તિ રૂપે દૂર્ગાને જન્મ આપ્યો. દુર્ગા માતા અને મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી ભીષણ યુદ્ધ થયુ અને છેવટે દસમા દિવસે મા દૂર્ગાએ મહિષાસુરનો વધ કરી દીધો. આ દિવસે અનિષ્ટ પર સારાઈની જીત તરીકે મનાવવામાં આવે છે.
નવરાત્રિ સાથે જોડાયેલી બીજી પૌરાણિક કથા મુજબ શ્રીરામે લંકા પર આક્રમણ કરીને પૂર્વ અને રાવણ સાથ યુદ્ધમાં વિજય મેળવવા માટે શક્તિની દેવી માતા ભગવતીની આરાધના કરી હતી. ભગવાન રામે નવ દિવસ સુધી રામેશ્વરમમાં માતાની પૂજા-અર્ચના કરી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને માતાએ તેમને લંકા વિજયી થવાના આશીર્વાદ આપ્યા. દસમાં દિવસે પ્રભુ શ્રીરામે લંકેશ્વર રાવણને યુદ્ધમાં હરાવીને તેમનો વધ કર્યો અને લંકા પર વિજય મેળવ્યો. નવરાત્રિ બાદ દસમાં દિવસને વિજયા દશમી તરીકે મનાવવામાં આવે છે.