આદ્યશક્તિની આરાધના માટે વર્ષમાં ૪ નવરાત્રી પૈકી આસો માસની નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. જેમાં ગરબાનો ઉપયોગ થાય છે. ત્યારે કલાકારો માટીના ગરબા તૈયાર કરવા માટે નવરાત્રીના 3 માસ પહેલાથી મહેનત શરૂ કરી દે છે. નવરાત્રી દરમ્યાન બજારોમાં રંગબેરંગી સુંદર ભાતવાળા માટીના છિદ્રોવાળા ’ગરબા’ તો તમે જોયા જ હશે. પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરમિયાન ઘેર ઘેર માટીના ગરબામાં થોડા ઘઉં મૂકી તેની ઉપર કોડિયું રાખીને તેમાં ઘીનો દિપક પ્રગટાવવાની પ્રથા છે.
ભાવિકો ખૂબ જ શ્રદ્ધાથી માટીના દેશી ગરબાની ખરીદી કરી નવે નવ દિવસ તેમાં અખંડ દીવો કરી માતાજીની આરાધના કરે છે. સમય ભલે બદલાયો હોય પરંતુ માટીના ગરબાનું આજેય એટલું જ મહત્વ છે. મોટા ભાગના માઇ ભક્તો ઘટસ્થાપનમાં દેશી ગરબા લેવાનું જ પસંદ કરે છે. અમુક લોકો તો ખાસ સફેદ ગરબાની જ ખરીદી કરે છે. પહેલાના સમયમાં ગરબા માત્ર સફેદ રંગના જ હતા.
સમયની સાથે ગરબાએ પણ નવા રૂપરંગ ધારણ કર્યા.અવનવા ચિત્રો સાંખીયા સહિતના શણગારેલા ગરબાઓએ પોતાનું સ્થાન જમાવી લીધું છે. ગરબા વિના નોરતા અધૂરા કહેવાય છે. જેમ જેમ દિવસો નજીક આવતા જાય તેમ તેમ માઇ ભક્તોનો ઉત્સાહ પણ વધતો જાય છે. પરંપરા સાથે નવલા નોરતનું અભિન્ન અંગ ગણાતા માટીના ગરબાની ગરિમા આધુનિક જમાનામાં પણ ઝાકમઝોળ ભર્યું છે..