નવલી નવરાતની શરૂઆત થઇ ચુકી છે. પોળ હોય કે સોસાયટી કે પાર્ટીપ્લોટ ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમવા નીકળી પડે છે. ઢોલ ધ્રબુકે અને કાનમાં ગરબાના શબ્દો પડે એવા જ પગ થનગનાટ કરવા લાગે. પછી અટકે એ બીજા. જો કે નવરાત્રિની સાથે સાથે પાર્ટીપ્લોટ વર્સિસ પોળના ગરબાની ચર્ચા પણ શરૂ થઈ જાય છે. જો કે રહેવા દો આ ચર્ચા તો અનંત છે. પણ અમે તમારા માટે લાવ્યા છીએ એક એવી જગ્યાઓ જ્યાંના ગરબા વર્લ્ડ ફેમસ છે. ચાલો જાણી લો આખા ગુજરાતમાં કઈ એવી જગ્યાઓ છે જ્યાંના ગરબાના ગુણગાન લોકો ગાય છે.
ગરબામાં રાજકોટની વાત હોય તો રેસકોર્સનો ઉલ્લેખ કરવો જ પડે. રાજકોટના સૌથી ફેમસ ગરબા એટલે રેસકોર્સના ગરબા. જો તમે પાર્ટી લવર હશો તો પણ તમને આ ટ્રેડિશનલ ઈવેન્ટ રેસકોર્સમાં જોવી ખાસ ગમશે. રેસકોર્સ ગ્રાઉન્ડનું સુંદર ડેકોરેશન અને વિવિધ આર્ટિસ્ટની હાજરી અહીંના ગરબાને ખાસ બનાવે છે. રાજકોટના રેસકોર્સના ગરબા હવે બ્રાન્ડ કહી શકાય તેટલી હદે ફેમસ થઈ ચૂક્યા છે. જો તમે પણ નવરાત્રિમાં રાજકોટની મુલાકાતે છો, તો એક વખત રેસકોર્સમાં જઈ ગરબા રમી આવજો.
વડોદરાના જ માં શક્તિ ગરબા પણ ખૂબ જ પ્રખ્યાત છે. એટલે સુધી કે આ ગરબાનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાઈ ચૂક્યુ છે. લગભગ નવ વર્ષ પહેલા લિમ્કા બુક ઓફ રેકોર્ડ્ઝ માટે માં શક્તિ ગરબામાં એક સાતે 40 હજાર ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. વડોદરાના મા શક્તિ ગરબાનું આયોજન દર વર્ષે ગુજરાત હાઉસિંગ બોર્ડ ગ્રાઉન્ડમાં થાય છે.
અમદાવાદના વાઈબ્રન્ટ ગરબા પણ કંઈ કમ નથી. લગભગ આખું શહેર આ ગરબામાં ભાગ લેવા પહોંચી જાય છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ ગરબામાં નવ દિવસ સુધી હકડેઠઠ ભીડ જામે છે. એક તરફ ટ્રેડિશનલ વેરમાં શેરી ગરબા અને બીજી તરફ ગ્રુપમાં પણ ગરબાની સુવિધાને કારણે સંખ્યાબંધ લોકો આ ગરબામાં પહોંચે છે. જો કે પાર્ટી પ્લોટના મોંઘા પાસ સામે આ સરકાર આયોજિત ગરબા લોકોને સારી સુવિધા પૂરી પાડે છે..
સુરતની મ્યુઝિક કંપની તાપી રમઝટ દ્વારા આયોજિત ગરબા સુરતીલાલાઓમાં ફેમસ છે. જબરજસ્ત ભવ્ય આયોજનને કારણે આ ગરબાના ફેન્સ મોટી સંખ્યામાં છે. સંજોગોવશાત દર વર્ષે આ ગરબાનું સ્થળ બદલાયા કરે છે, પરંતુ ખેલૈયાઓને કોઈ ફરક પડતો નથી. સ્થળ ભલે બદલાય પરંતુ તાપી રમઝટમાં ગરબે ઘૂમવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.