અત્યારે મુકેશ અંબાણી ફેસબુક સાથેની ડીલને લઇને ખૂબ ચર્ચામાં છે,ફેસબુકે રિલાયન્સ Jioનો 9.99% હિસ્સો 5.7 અબજ ડોલરમાં ખરીદી લીધો છે. આ ડીલ બાદ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. અત્યાર સુધી જેક મા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા પરંતુ મુકેશ અંબાણીએ તેમને પાછળ છોડી દીધા છે.
ફેસબુકના આ સોદાથી અંબાણીની સંપત્તિ 4 અબજ ડોલર વધી 49 અબજ ડોલર થઈ છે. આ ડીલથી મુકેશ અંબાણીની સંપત્તિ અલીબાબાના સ્થાપક જેક મા કરતા 3 અબજ ડોલર વધારે થઈ ગઈ છે. બ્લૂમબર્ગના આંકડા મુજબ કોરોના વાયરસ મહામારીના પગલે 21 એપ્રિલ, મંગળવાર સુધી મુકેશ અંબાણીની સંપત્તિમાં 14 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. મંગળવાર સુધી જેક માની સંપત્તિમાં 1 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.
રિલાયન્સ Jioમાં ફેસબુકે 43,574 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. ફેસબુક Jio પ્લેટફોર્મનો 9.99 ટકા હિસ્સો ખરીદશે. કોઈ પણ કંપનીમાં માઈનોરિટી સ્ટેક માટેનું આ સૌથી મોટું વિદેશી રોકાણ હશે. ફેસબુકના રોકાણ બાદ Jio પ્લેટફોર્મનું વેલ્યુએશન આશરે 4.75 લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે. કોઈપણ ભારતીય કંપનીમાં માઈનોરિટી સ્ટેક માટે આ આજ સુધીની સૌથી મોટી FDI છે. Jio પ્લેટફોર્મ્સ માટેની પ્રી મની એન્ટરપ્રાઇઝ મૂલ્ય લગભગ 66 અબજ ડોલર હશે. આ ભાગીદારીથી લોકો અને બિઝનેસ માટે વિશાળ તકો ઉભી થશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના અધ્યક્ષ મુકેશ અંબાણીએ ફેસબુક સાથેની આ લાંબા ગાળાની ભાગીદારીને આવકારી છે. તેમણે કહ્યું છે કે ફેસબુક સાથેનો આ કરાર ડિજિટલ ઇન્ડિયાના મિશનને પૂર્ણ કરવામાં મહત્વનો ભાગ ભજવશે.