વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાયરસને લઈને આંતરાષ્ટ્રીય હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. દુનિયાભરમાં લગભગ 2 લાખ લોકોને આ વાયરસથી ઇન્ફેક્ટેડ હોવાની શંકા સાથે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. દુનિયાભરના વૈજ્ઞાનિક આ બીમારી અને વાયરસની દવા શોધવામાં લાગી ગયા છે. ચીનના વુહાન શહેરથી શરુ થયેલો ખૂબ જ ખતરનાક અને જીવલેણ કોરોના વાયરસ અત્યાર સુધીમાં દુનિયાના 23 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. તેમજ અત્યાર સુધીમાં એકલા ચીનમાંથી 425થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસના 3 કન્ફર્મ્ડ કેસ કેરળમાં સામે આવી ચુક્યા છે.
તેવામાં લોકો આ બીમારીને લઈને લોકોમાં ડર હોવો એ સ્વાભાવિક છે. જોકે આ બધા વચ્ચે કેટલાક એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે હોમિયોપેથીમાં આ રોગનો ઈલાજ છે. તો કોઈ આયુર્વેદમાં સચોટ ઈલાજ હોવાનો દાવો કરે છે. કોરોના વાયરસને લઈને સોશીયલ મીડિયા પર અનેક પ્રકારના મીથ ફેલાવવામાં આવી રહ્યા છે. તો ચાલો જાણીએ આ મીથ પાછળની હકીકત..
મીથઃ પાળતૂ જાનવરોથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ
હકીકતઃ આ વાત હજી સુધી કોઈ રિસર્ચમાં સાબીત નથી થઈ કે નથી કોઈ એવા પૂરાવા. તેમજ અત્યાર સુધી આ જાનવરોમાંથી માણસમાં કોરોના વાયરસ આવ્યો હોય તેવો કિસ્સો ક્યાંય સામે નથી આવ્યો. જોકે પાળતુ જાનવરોને અડ્યા બાદ ખૂબ જરુરી છે કે તમે હાથને હાઈજેનિક હેન્ડવોશથી સાફ કરીને બેક્ટેરિયા ફેલાવાથી રોકો.
મીથઃ લસણ ખાવાથી કોરોના વાયરસ દૂર રહે છે.
હકીકતઃ આજકાલ વોટ્સએપ પર આયુર્વેદના નામે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લસણ ખાવાથી કોરોના વાયરસ ઇન્ફેક્શનથી બચી શકાય છે, પરંતુ આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. એન્ટિમાઈક્રોબિયલ તત્વોથી ભરપૂર લસણ એક હેલ્ધી ફૂડ છે પરંતુ એ વાતના કોઈ સંકેત કે પૂરાવા નથી કે લસણ ખાવાથી કોરોના વાયરસનો ઈલાજ થઈ શકે છે.
મીથઃ નિમોનિયાની વેક્સીન કોરોના વાયરસથી બચવામાં મદદરુપ છે.
હકીકતઃ નહીં, આ વાત પણ સાવ ખોટી છે. WHOએ પણ કહી દીધું છે કે નિમોનિયા માટે આપવામાં આવતી ન્યૂમોકોકલ વેક્સીન નવા અને ખતરનાક વાયરસ વિરુદ્ધ કોઈ સુરક્ષા આપતી નથી. આ વાયરસ એટલો નવો છે કે તેના માટે એક અલગથી નવા જ પ્રકારની વેક્સીનની જરુરિયા ઉભી થઈ છે. જે હાલ દુનિયામાં ક્યાંય ઉપલબ્ધ નથી.
મીથઃ ગાયના ગોબર અને ગૌમુત્રથી કોરોનાનો ઈલાજ
હકીકતઃ કોરોના વાયરસ સામે આવ્યા બાદ બધા પોતપોતાની રીતે તેનો ઈલાજ હોવાનો દાવો કરે છે. આ જ રીતે કેટલાક લોકોનો દાવો છે કે ગૌમૂત્રના સેવન અને ગોબરથી કોરોના વાયરસનું ઇંફેક્શન દૂર થાય છે. પરંતુ આ દાવો પણ સંપૂર્ણ રીતે ખોટો છે.
મીથઃ એન્ટિબાયોટિકથી થઈ શકે છે કોરોના વાયરસનો ઈલાજ
હકીકતઃ WHOનું માનીએ તો એન્ટિબાયોટિક વાયરસ વિરુદ્ધ કામ નથી કરતા અને તે ફક્ત બેક્ટેરિયાવાળા ઈન્ફેક્શન વિરુદ્ધ કામ કરે છે. જેથી આ ખતરનાક વાયરસ વિરુદ્ધ લડવામાં એન્ટિબાયોટિક્સનું કોઈ કામ નથી.
મીથઃ ચાઈનીઝ ફૂડ ખાવાથી થઈ શકે છે કોરોના વાયરસ
હકીકતઃ આ પણ સોશિયલ મીડિયા પર ફેલાયેલ ભ્રમ છે. જેના મુજબ ચાઈનીઝ ફૂડ અથવા ચાઈનીઝ રેસ્ટોરન્ટ પર જવાનું બંધ કરી દેવું જોઈએ.તેનાથી જ કોરોના વાયરસ ફેલાય છે. પરંતુ હકીકતમાં આ વાત પણ પૂર્ણ રીતે ખોટી છે. WHO ચાઈનીઝ ફૂડને કોરોના વાયરસ ફેલવાનાર રિસ્ક ફેક્ટર નથી માન્યું. એટલે કે ચાઈનીઝ નૂડલ્સ ખાવાથી તમને કોરોના નહીં થાય.