દિવસે-દિવસે કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે,તેની સામે તેની સામે લડત આપતા સાધનોના ઉત્પાદન પણ વધારો થઇ રહ્યો છે,સર્જીકલ સાધનો જેવા કે ડોક્ટરો અને પેરામેડીકલ સ્ટાફ માટે હજારોની સંખ્યામાં પર્સનલ પ્રોટેક્શન ઇકવિપમેન્ટ (PPE) કીટ બની રહી છે. અમદાવાદમાં પીપળજમાં પીરાણા રોડ પર નિક્ષી મલ્ટી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં 100 જેટલા કારીગરો દરરોજ 3500 જેટલી PPE કીટ બનાવી રહ્યા છે. આ કીટ અમદાવાદ, મુંબઈ, પુણે અને દિલ્હી ખાતે મોકલવામાં આવે છે.
સર્જીકલ ગાઉન કીટ અને જંકશૂટ કીટ થાય છે તૈયાર
નિક્ષી મલ્ટી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના જોઈન્ટ ડાયરેક્ટર કરણ સોનીએ જણાવ્યું કે અમે દરરોજ 3000થી 3500 કીટ બનાવીએ છીએ. 100 જેટલા કારીગરો 8 કલાકમાં કીટ તૈયાર કરે છે. બે પ્રકારની કીટ બનાવવામા આવે છે. એક સર્જીકલ ગાઉન કીટ અને એક જંકશૂટ કીટ જેમાં આખું શરીર ઢંકાઈ જાય છે. હાલમાં લોકડાઉન છે અને કારીગરો પાસે પાસ છે પરંતુ સખતાઇના કારણે પોલીસ રોકે છે જેથી કારીગરો આવવા તૈયાર નથી. જેને કારણે એક જ શિફ્ટમાં કામ ચાલે છે.
કંપનીમાં ઉત્પાદીત થતી આ બે પ્રકારની કીટ અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં વેપારીઓ, સરકારી હોસ્પિટલમાં રાહત દરે આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં અમદાવાદમાં પણ નવી કોવિડ હોસ્પિટલ સહિતની જગ્યાઓએ આ કીટ પહોંચાડવામાં આવશે.