દુનિયાભરમાં એડવાન્સ સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસ માટે જાણીતી ચીનની પ્રખ્યાત કંપની શાઓમી હવે ઝડપથી ઈલેક્ટ્રિક બાઈક સેગમેન્ટમાં પોતાનો પગપેસારો કરી રહી છે. અત્યાર સુધી કંપનીએ બજારમાં ઘણી ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી છે. જોકે, હવે શાઓમીએ બજારમાં તેની નવી Himo Z16 બાઈક લોન્ચ કરી છે. આ દેખાવમાં ખૂબ જ આકર્ષક છે અને તેની ઈલેક્ટ્રિક મોટર પણ દમદાર છે.
આમ તો સામાન્ય ઈલેક્ટ્રિક બાઈક્સ જેવી જ દેખાય છે. પરંતુ શાઓમીએ તેમાં ઘણાં જોરદાર ફીચર્સ સામેલ કર્યાં છે. જે અન્ય બાઈક્સથી તેને અલગ પાડે છે. તેમાં એલ્યુમિનિયમ એલોય વ્હીલ ફ્રેમ, સ્વિંગઆર્મ સસ્પેંશન આપવામાં આવ્યું છે. આ બાઈકનું કુલ વજન 22.5 કિગ્રા છે અને તે 100 કિલો સુધી વજન ઉઠાવી શકે છે.
નવી Himo Z16ની સૌથી એક્સાઈટિંગ વાત એ છે કે, તમે આ બાઈકને સરળતાથી ફોલ્ડ કરી શકો છો. તેને તમે ત્રણ અલગ-અલગ જગ્યાએથી ફોલ્ડ કરી શકો છો. જેમાં હેંડલબાર, ફ્રેમ અને પેડલ સામેલ છે. આ બાઈકને ફોલ્ડ કર્યા બાદ તેને સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે.
નવી Himo Z16 બાઈકમાં કંપનીએ હાઈ ડેફિનેશન એલસીડી ડિસ્પ્લે આપી છે. જે રાઈડિંગ સ્પીડ, બેટરી પાવર અને પોઝિશન વિશે જાણકારી આપે છે. સાથે જ તેમાં રિજનરેટિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે. જે વારંવાર બ્રેક લગાવવા પર બેટરી પાવર વધારે છે. તેનાથી બાઈકનું માઈલેજ વધુ સારું થાય છે.
આમાં 250 વોલ્ટની ક્ષમતાની ઈલેક્ટ્રિક મોટર અને 360Whની ક્ષમતાનું બેટરી પેક છે. કંપનીએ દાવો કર્યો છે કે, સિંગલ ચાર્જમાં આ બાઈક 55 કિલોમીટર સુધી થ્રોટલની સાથે અને પેડલ અસિસ્ટની સાથે 80 કિમીનું અંતર કાપે છે. તેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિકલાક છે. જોકે, હાલ આ બાઈકનું વેચાણ ચીનમાં જ ઉપલબ્ધ છે અને તેની પ્રાઈસ 26,863 રૂપિયા છે.