કોરોના મહામારીને કારણે ઓટો સેક્ટર પર ખૂબ જ ખરાબ અસર પડી છે. જેથી સેલિંગ વધારવા માટે ઓટોમોબાઈલ કંપનીઓ ઘણાં પ્રકારની ઓફર આપી રહી છે, જેનાથી વધુને વધુ ગ્રાહકોને આકર્ષિત કરી શકાય. આ લિસ્ટમાં ટાટા મોટર્સનું પણ નામ સામેલ છે. હવે દેશની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે પણ એક ફાઈનાન્સ સ્કીમ રજૂ કરી છે. જેમાં ડાઉન પેમેન્ટ વિના જ તમે ટાટાની નવી કાર ખરીદી શકો છો. ટાટા મેટર્સ આ ઓફર કરુર વૈશ્ય બેંક સાથેની પાર્ટનરશિપમાં લોન્ચ કરી છે.
ટાટા મોટર્સની આ નવી ઓફર હેઠળ તમે ટાટાની ટિયાગો, નેક્સોન અને અલ્ટ્રોઝ જેવી કારો ડાઉન પેમેન્ટ વિના જ ખરીદી શકો છો. કાર ખરીદ્યા બાદ શરૂઆતના 6 મહિના સુધી કોઈ ઈએમઆઈ આપવી નહીં પડે. સાથે જ કંપની 100 ઓન રોડ ફંડિંગ અને ઝીરો પેમેન્ટની પણ સુવિધા પણ આપી રહી છે. આ લોન 5 વર્ષ માટે મળશે. આ ઓફર નોકરીયાત અને સેલ્ફ એમ્લોઈડ બંને ગ્રાહકો માટે છે.
નવી ફાઈનાન્સ સ્કીમ્સ સિવાય ટાટા મોટર્સ 8 વર્ષની લાંબી અવધિ માટે સરળ સ્ટેપ અપ ઈએમઆઈ ઓફર કરી રહી છે. આ સિવાય લોનના ઈએમઆઈની વાત કરીએ તો ટાટા ટિયાગો ખરીદવા પર તેનો ઈએમઆઈ 4999 રૂપિયા, અલ્ટ્રોઝ ખરીદવા પર તેનો ઈએમઆઈ 5555 રૂપિયા, નેક્સોન ખરીદવા પર ઈએમઆઈ 7499 રૂપિયાથી શરૂ થઈ રહી છે.
ટાટા મોટર્સ ઈન્ડિયન માર્કેટમાં બે નવી એસયૂવી લાવવાની તૈયારીમાં છે. તેમાં 7 સીટર એસયૂવી ગ્રેવિટસ અને માઈક્રો એસયૂવી ટાટા HBX સામેલ છે. ટાટા ગ્રેવિટસ કંપનીની 5 સીટર એસયૂવી હેરિયરનું 7 સીટર વર્ઝન છે. આ કાર આ વર્ષે ફેસ્ટિવ સીઝન પર લોન્ચ કરી શકાય છે. જ્યારે માઈક્રો એસયૂવી HBXને વર્ષ 2021ની શરૂઆતમાં બજારમાં ઉતારવામાં આવશે.