હાલ ઓનલાઇન શોપિંગ કરવા તરફ લોકો વળી રહ્યા છે સમયનો અભાવ ઓફરનો ફાયદો અને ઘરે જ સામાન આવી જતો હોય તો વધારે ઓનલાઇન ખરીદી કરવામાં આવે તે સ્વાભાવિક છે. ઓનલાઇન ખરીદી કરવાના ઘણા ફાયદા અને ગેરફાયદા પણ છે. ઓનલાઇન શોપિંગથી ફક્ત તમારો સમય જ નહીં પરંતુ ઓફરની સહાયથી પૈસાની બચત પણ કરી શકાય છે.
જો કે, વિશ્વસનીય સ્રોતથી ઓનલાઇન ખરીદી કરવી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શોપિંગના નામે, છેતરપિંડીની રમત પણ લાંબા સમયથી ચાલી રહી છે અને ચુકવણી પછી, ઉત્પાદનની ડિલિવરીથી લઈને, ખાતામાંથી વધુ પૈસા કાપવા સુધીના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે.ઘણી વખત નકલી વેબસાઇટ્સ લોકપ્રિય શોપિંગ પોર્ટલોની કોપી કરતી જાહેરાતો ઉમેરી અને યૂઝર્સને લલચાવે છે. શોપિંગ કરતી વખતે કેટલીક સાવધાની રાખો તો પસ્તાવો નહી થાય.
વેબસાઇટના અજીબ URL
નકલી વેબસાઇટ્સના URL હંમેશા વિચિત્ર હોય છે અને ભૂલો સરળતાથી મળી આવે છે. બ્રાઉઝરનું સરનામું બાર માં જ જોવા મળે છે કે આવી વેબસાઇટ્સ સુરક્ષિત નથી અને અસુરક્ષિત છે.
અશક્ય હોય તેવી ઓફરોના ઢગલા
નકલી વેબસાઇટ્સ પર 90 ટકા સુધીની ઓફર એવી હોય જે અશક્ય કહી શકાય. જેમ કે iPhone 11 ફક્ત 10,000 રૂપિયામાં ખરીદો. આવી ઓફર જોઈને સાવધાન રહેવુ જોઈએ અને મનથી વિચારવુ જોઈએ કે શું આ શક્ય છે. જે ભાવની વસ્તુઓ હોય તેનાથી અડધાથી ઓછી કિંમતની વસ્તુઓ કેવી રીતે કોઇ કંપની આપી શકે આટલી વાત સમજી લેશો તો ક્યારેય છેતરાશો નહી.
જાહેરાતમાં ઓફલાઇન સ્ટોર
જો તમને કોઈ ઓનલાઇન વેબસાઇટના ઓફલાઇન સ્ટોરનો ફોટો દેખાય તો તરત જ સમજો કે આ જાહેરાત અને ઓફર બંને નકલી છે. આવી ઘણી જાહેરાતો સોશિયલ મીડિયા પર દેખાય છે.
સાઇન ઇન જરૂરી નથી
મોટાભાગની નકલી સાઇટ્સ પર, વપરાશકર્તાઓને લોગઇન અથવા સાઇન-ઇન કરવાની પણ જરૂર નથી. આવી છેતરપિંડી સાઇટ્સ યૂઝર્સને સીધા પેમેન્ટ પેજ પર રીડાયરેક્ટ કરે છે. તો હવે લોભામણી અને છેતરામણી જાહેરાતોથી બચીને કરજો શોપીંગ.