દેશભરમાં લોકડાઉન વચ્ચે થોડી-ઘણી છૂટ અપાવાના કારણે મોબાઈલ હેન્ડસેટનું વેચાણ શરૂ થઈ ગયું છે પરંતુ આગામી સમયમાં મોબાઈલ મોંઘા થઈ શકે છે. ભારતીય રૂપિયાનું મૂલ્ય કથળી રહ્યું હોવાના કારણે હવે હેન્ડસેટ બનાવવાનો કાચો માલ મોંઘો થઈ ગયો છે અને પરિણામ સ્વરૂપ આગામી દિવસોમાં ફોનની કિંમત વધી શકે છે.
એક મોબાઈલ કંપનીના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું કે, છેલ્લા ચાર મહીનામાં રૂપિયાના મૂલ્યમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે. ડોલરના મુકાબલે ભારતીય ચલણ 76 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. આ સંજોગોમાં હેન્ડસેટ બનાવતી કંપનીઓ માટે કાચો માલ મોંઘો થઈ ગયો છે જેથી આગામી દિવસોમાં હેન્ડસેટની કિંમતો વધશે તેમ જણાઈ રહ્યું છે.
લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટ વચ્ચે મોબાઈલ કંપનીઓએ મોબાઈલ હેન્ડસેટનું વેચાણ શરૂ કરી દીધું છે અને અનેક કંપનીઓએ પ્રોડક્શન પણ ચાલુ કરી દીધું છે. છેલ્લા ચાર મહીનામાં રૂપિયાના મૂલ્યમાં સાત ટકાનો ઘટાડો થયો છે.
પહેલેથી જ કંપનીઓ માટે લોકડાઉન માથાના દુખાવા સમાન બન્યું હતું અને હવે કામ શરૂ થયું છે ત્યારે લોકડાઉનના કારણે હેન્ડસેટની માંગમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. હેન્ડસેટનું ઉત્પાદન કરતી કંપનીઓ તેનો 70થી 80 ટકા સામાન આયાત કરે છે જેથી ઉત્પાદન ખર્ચ ઉંચો જવાની ધારણા છે.