સરકારે કોરોના વાયરસ મહામારીને રોકવા માટે એકવાર ફરી બે સપ્તાહ માટે એટલે કે 17 મે સુધી લોકડાઉન આગળ વધારી દીધું છે. આ પહેલાં 3 મેના રોજ લોકડઉન 2.0 પૂરું થવાનું હતું, પરંતુ શુક્રવારે જ ઘોષણા કરવામાં આવી કે લોકડાઉન વધુ 2 સપ્તાહ માટે વધારી દેવામાં આવ્યું છે. તેમજ સરકારે હવે જાહેર અને ખાનગી ક્ષેત્રના તમામ કર્મચારીઓને આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે.
આ ઉપરાંત કોવિડ -19 કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકો માટે પણ આ એપ ફરજિયાત બનાવવામાં આવી છે. સરકારે અધિકારીઓને કહ્યું છે કે, તેઓ ખાતરી કરે કે, આ ઝોનના તમામ લોકો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે. એપ્રિલની શરૂઆતમાં આરોગ્ય સેતુ એપ્લિકેશનને સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને લોન્ચ થયાના થોડાં જ દિવસોમાં કરોડો લોકોએ આ એપ ડાઉનલોડ કરી લીધી છે.
ગૃહ મંત્રાલયએ તેના નિર્દેશમાં જણાવ્યું છે કે, આરોગ્ય સેતુ એપ્લિકેશનને ખાનગી અને જાહેર એમ બંને ક્ષેત્રના તમામ કર્મચારીઓ માટે ફરજિયાત બનાવવામાં આવશે. આ સંબંધિત સંસ્થાઓના પ્રમુખની જવાબદારી રહેશે કે તેઓ તેમના કર્મચારીઓના ફોનમાં આ એપ્લિકેશનનું 100 ટકા કવરેજ સુનિશ્ચિત કરે. બુધવારે સરકારે કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓને એપ્લિકેશનનો ઉપયોગ કરવો ફરજિયાત બનાવ્યો હતો.
ગાઈડલાઈન્સમાં, એમએચએ એ પણ જણાવ્યું છે કે, રેડ ઝોનની ખાનગી કચેરીઓ તેના 33 ટકા કર્મચારીઓ સાથે કામ કરી શકે છે. બાકીના કર્મચારીઓએ ઘરેથી કામ કરવું પડશે. આ ઉપરાંત 100 ટકા કર્મચારીઓ સાથે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ઓફિસો ખોલવાની મંજૂરી છે. રેડ ઝોનની સરકારી કચેરીઓમાં તમામ સીનિયર અધિકારીઓની સાથે બાકીના 33 ટકા કર્મચારીઓ કામ કરી શકે છે. એમએચએની ગાઈડલાઈનમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તમામ અધિકારીઓએ ખાતરી કરવી જોઈએ કે દરેક કન્ટેનમેન્ટ ઝોનમાં બધા નાગરિકો એરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહી છે.