સેમસંગ અને હુઆવેએ ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યા તે પછી એપલના ફોલ્ડેબલ આઇફોનની ચર્ચા ગયા વર્ષથી થઈ રહી છે. કેટલાક અહેવાલોમાં એપલના સંભવિત ફોલ્ડેબલ આઇફોનની ડિઝાઇન પણ રજુ કરવામાં આવી છે.
જો કે એપલે હજુ સુધી ફોલ્ડબલ આઇફોન વિશે કોઈ માહિતી આપી નથી. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એપલના ફોલ્ડેબલ આઇફોનમાં બેટરી પણ ફોલ્ડેબલ એટલે કે વળી શકે તેવી હશે. રિપોર્ટ મુજબ ફોલ્ડેબલ બેટરી માટેના એપલના પેટન્ટને પણ મંજૂરી મળી ગઇ છે. ફોલ્ડેબલ બેટરીનો ઉપયોગ આઇફોન અને આઈપેડમાં કરવામાં આવશે.
ફોલ્ડેબલ આઇફોનમાં ડિસ્પ્લેની જેમ બેટરી બે ભાગમાં ફોલ્ડ થશે, જ્યારે ચાર્જિંગ પોર્ટ એક જ હશે. થોડા મહિના પહેલા જ સેમસંગ ગેલેક્સી ફોલ્ડ , હુઆવે મેટ એક્સ અને મોટો રેઝર જેવા ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવામાં આવ્યા છે, પરંતુ કોઇપણ ફોનમાં ફોલ્ડેબલ બેટરી નથી. છેલ્લા બે વર્ષમાં એપલે ઘણા પેટન્ટ મેળવ્યા છે. ફોલ્ડબલ બેટરીનો ફાયદો એ થશે કે ફોનને ફોલ્ડ કરવાનું વધુ આસાન બનશે. ઉપરાંત તેમાં મોટી સાઇઝની બેટરી પણ ફીટ કરી શકાશે.
દરમિયાન એપલે આઇફોન 12 સિરીઝના ફોન લોન્ચ કરવાની તડામાર તૈયારી શરુ કરી છે. એપલ આ વખતે પણ 12 સિરીઝમાં ત્રણ મોડલ લોન્ચ કરશે.સામાન્ય રીતે એપલ આઇફોનની નવી સિરીઝ સપ્ટેમ્બરમાં લોન્ચ કરે છે. જો કે આ વખતે કોરોના વાયરસના સંકટના કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિથી આઇફોન 12નું લોન્ચિંગ એક મહિનો મોડુ થાય તેવી શકયતા છે. દુનિયાની ઇકોનોમી પર આવેલા સંકટને ધ્યાનમાં લેતા એપલ આઇફોન 12 સિરીઝના ફોનમાં નવી ટેકનોલોજી છતાં ભાવમાં વધારો ન કરે તેવી પણ શકયતા છે.