વ્હોટ્સએપનું નવું અપગ્રેડ તમારા વ્હોટ્સએપના અનુભવને વધુ સારો બનાવશે. તાજેતરમાં આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશને એક સુવિધા ઉમેરી છે, જે એન્ડ્રોઇડ ફોન, આઇફોન અને ડેસ્કટોપના વ્હોટ્સએપ યુઝર્સને 2 GB સુધીની સાઈઝની ફાઇલો અને મીડિયા શેર કરવાની સુવિધા આપે છે ત્યારે હાલ આ એપ નવા અપગ્રેડને રોલઆઉટ કરવાની તૈયારીમાં છે, જે તમને વધુ મોટા ગૃપ બનાવવાની સેવા આપશે. વ્હોટ્સએપ યૂઝર્સ હવે પોતાના ગૃપ બનાવી તેમાં 512 જેટલાં લોકોને જોડી શકશે.
નોંધનીય છે કે, આ અપડેટ એપ્લિકેશનના બીટા વર્ઝન સુધી મર્યાદિત નથી, જે લોકો એન્ડ્રોઇડ, iOS અને ડેસ્કટોપ માટે વ્હોટ્સએપના લેટેસ્ટ અપડેટ્સ ઇન્સ્ટોલ કરે છે, તે પણ આજથી જ આ સેવાનો ઉપયોગ કરી શકશે એમ બ્લોગમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. WabetaInfo એ સ્ક્રીનશોટ શેર કરતી વખતે આ અપડેટનો એક ફોટો શેર કર્યો હતો, જે પુષ્ટિ કરે છે કે આખરે 512 લોકો સાથે ગૃપ બનાવવાનું શક્ય છે. એકવાર ગૃપ ક્રિએટ કરીને ત્યારબાદ તમે નવા લોકોને પણ ઉમેરી શકો છો.
આ પહેલાં વ્હોટ્સએપ અપડેટ ટ્રેકિંગ વેબસાઇટ WaBetaInfo એ સમાચાર શેર કર્યા હતા કે, ગ્રુપમાં 512 લોકોને જોડવાની ક્ષમતા એન્ડ્રોઇડ, આઇફોન અને ડેસ્કટોપ વર્ઝન માટે વ્હોટ્સએપ બીટા પર ઉપલબ્ધ છે, પરંતુ દુઃખની વાત એ છે કે આ ફીચર મર્યાદિત સંખ્યામાં બીટા પરીક્ષકો માટે જ લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે, હવે વ્હોટ્સએપ પર બધાને આ અપડેટ મળશે. વ્હોટ્સએપ આખરે આજથી તમામ યુઝર્સ માટે આ સુવિધા રોલઆઉટ કરી રહ્યું છે.
તમારા વ્હોટ્સએપમાં આ અપડેટ આજથી જ દેખાશે તેમછતાં જો તમે તમારા વ્હોટ્સએપ એકાઉન્ટ માટે આ સુવિધા એક્ટિવ થઈ કે નહીં તે ચકાસવા માંગતા હોવ તો પછી ફક્ત એક ગૃપ બનાવવાનો પ્રયાસ કરો અને તપાસો કે તમે તેમાં કેટલા લોકોને ઉમેરી શકો છો. જો તે હજી પણ તમને 512 લોકોને ઉમેરવાની મંજૂરી આપતું નથી તો તમારા એપ સ્ટોર પર જઈને તુરંત તમારા વ્હોટ્સએપ એકાઉન્ટને અપડેટ કરો.