કોરોના વાયરસના સંક્રમણથી બચવા અંગે માહિતી આપતી સરકારી એપ્લિકેશન આરોગ્ય સેતુ મે મહિનામાં દુનિયાની ટોપ 10 ડાઉનલોડ થયેલી મોબાઇલ એપમાંની એક બની ગઇ છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. આરોગ્ય સેતુ મે મહિનામાં સતત બીજી વખત દુનિયાભરમાં ડાઉનલોડ થતી ટોચની 10 મોબાઇલ એપ્લિકેશનમાંની એક બની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલે રાષ્ટ્રજોગ તેમના સંબોધનમાં લોકોને આ એપ ડાઉનલોડ કરવાની અપિલ કરી હતી. આ એપને ભારતે COVID-19 અંગે જાગૃતિ અને લોકોને તેનાથી બચાવવા અર્થે લોન્ચ કરી છે. આ એપ લોકો વચ્ચે પણ ઘણી લોકપ્રિય થઇ છે અને લોકોએ તેને મોટી સંખ્યામાં ડાઉનલોડ કરી છે.
માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરે મે 2020માં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવતી નોન ગેમિંગ એપ્સ અંગે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. આ લિસ્ટમાં દુનિયાભરમાં મે 2020માં સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવેલી એપ અંગે જાણકારી આપવામાં આવી છે. ભારતીયો માટે આનંદની વાત એ છે કે આ લિસ્ટમાં ‘આરોગ્ય સેતુ’ એપના નામનો પણ સમાવેશ છે.
ઓવરઓલ ડાઉનલોડની વાત કરીએ તો આ એપ્લિકેશન આ યાદીમાં 8માં નંબરે રહી. ગુગલ પ્લે પરથી ડાઉનલોડ કરવાની વાત કરીએ તો તે 7માં નંબરે આવે છે. આ સિવાય ટોપ ટેન એપ્સના લિસ્ટમાં ફેસબુક મેસેન્જર, ગુગલ મીટ, યુ ટ્યુબ અને સ્નેપ ચેટ પણ સામેલ છે.