ઇતિહાસમાં પ્રથમ વખત ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ-સુઝુકીની છેલ્લા એક મહિના દરમિયાન દેશમાં એક પણ કાર વેચાઈ નથી. કદાચ અન્ય કાર નિર્માતા કંપનીની પણ આ જ હાલત છે. દેશમાં ચાલી રહેલા લૉકડાઉનને કારણે આવું થયું છે. એટલું જ નહીં ઓટો ઉત્પાદકો એ આ સમયગાાળા દરમિયાન ઝીરો યુનિટનું ઉત્પાદન કર્યું છે.
કારણ કે લૉકડાઉનને પગલે આખો એપ્રિલ મહિનો તમામ યુનિટો અને પ્લાન્ટો બંધ રહ્યા છે. જોકે, સરકારે મારુતિ સુઝુકીને ગુજરાત પ્લાન્ટ ખાતે ઉત્પાદન શરૂ કરવાની આંશિક છૂટ આપી છે. જેના કારણે મારુતિ સુઝુકી મુન્દ્રા પોર્ટ પરથી 632 વાહનની નિકાસ કરી શકી હતી.
જિલ્લા તંત્ર પાસેથી પરવાનગી બાદ હરિયાણા ખાતે આવેલા માનેસર પ્લાન્ટમાં પણ મારુતિ સુઝુકીએ ઑપરેશન શરૂ કર્યું છે. હાલ અહીં એક જ શિફ્ટમાં કામ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા પ્રમાણે ગ્રામ્ય ક્ષેત્રમાં આવેલા ઉદ્યોગોને 20મી એપ્રિલથી શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ આ દરમિયાન તેમણે સરકારની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરવું પડશે. આ અંતર્ગત માનેસર પ્લાન્ટ 4,696 લોકો અને 50 વાહનો સાથે ખોલવાની છૂટ આપવામાં આવી છે.