રાજ્યભરમાં પડી રહેલા વરસાદે લોકોનું જનજીવન ખોરવી નાખ્યું છે. ઘણા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે તો ઘણા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે લોકોએ પોતાના વાહનોની ચિંતા થઇ રહી છે કે જો તેમના વાહનમાં પાણી ઘુસી જશે તો શું થશે ત્યારે આજે આપણે આ વિશે ચર્ચા કરી લઈએ કે જો વાહનમાં પાણી જતું રહે તો શું કરવું જોઈએ અને કેવી રીત્તે આપણા વાહનોની આ વરસાદમાં કાળજી લઇ શકીએ.
જયારે પણ ભરાયેલ વરસાદી પાણીમાંથી ગાડી કાઢવામાં આવે છે ત્યારે એર ફિલ્ટરમાં પાણી જવાથી ગાડી બંધ થઇ જતી હોય છે. ત્યારે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીમાં જયારે ગાડી કાઢતા હોય ત્યારે કાર ઓટોમેટિક હોય કે મેન્યુઅલ પહેલા કાર ધીમે કરવી જો કાર મેન્યુઅલ હોય તો પહેલા ગિયરમાં ધીરે ધીરે કારને પાણીમાંથી કાઢવી જોઈએ. બને ત્યાં સુધી ક્લચનો ઉપયોગ ન કરવો અને એક્સેલેટરથી કંટ્રોલ કરવો જોઈએ.
જયારે પણ પાણીમાં કાર બંધ પડે તો ચાલુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. અને કાર ટો દ્વારા અથવા અન્ય રીતે વર્કશોપમાં લઈ જવી અને ત્યાં તેમને રીપેર કરાવવી જોઈએ. જો ચાલુ કાર પાણીમાં બંધ પડી જાય તો તેને સેલ ક્યારેય મારવો નહીં. જયારે પણ સેલ મારવામાં આવે છે ત્યારે કારનું સકશન પાણીને ખેચી લે છે અને કારના એન્જિન સુધી પાણી પહોચી જાય છે જે કારને નુકશાન કરે છે.
તમારે ચોમાસા પહેલા એક કાર ચૅક-અપ કરાવી લેવું જોઈએ જેથી કરીને બેટરી અને બીજા નાનામોટા પ્રોબ્લેમને ચોમાસા સમયે ટાળી શકાય છે. અને જો બની શકે તો પાણીમાં કાર ન લઈ જવી જોઈએ.