આપણે એમેઝોન, ફ્લિપકાર્ટ અને મિન્ટ્રા જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી અનેકવાર શૂઝ લેવાનું વિચારીએ છીએ, પરંતુ અહિથી શૂઝ ખરીદવામાં એક જ મુશ્કેલી ઉભી થાય છે કે, શૂઝની સાઈઝ આપણા પગ મુજબ પરફેક્ટ નથી આવતી અને તેના કારણે આપણે ખૂબ જ પરેશાનીઓનો સામનો કરવો પડે છે, પરંતુ હવે લાગે છે કે આ સમસ્યા ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે. એમેઝોન પર વર્ચ્યુઅલ ટ્રાય-ઓનનું ફીચર આવી રહ્યું છે. આ ફીચરની મદદથી યૂઝર્સ જોઈ શકશે કે, તે શૂઝ તેના પગ પર કેવા દેખાશે? આ સુવિધા યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઓનલાઇન ચશ્માનું વેચાણ કરતી વેબસાઇટ લેન્સકાર્ટ તમને વર્ચુઅલી ચશ્મા ટ્રાય કરવાનો વિકલ્પ આપે છે. અત્યારે આ સુવિધા પ્રારંભિક તબક્કે છે અને તે પહેલા iOS માટે બહાર પાડવામાં આવશે. આ સુવિધાઓ પ્રારંભિક તબક્કે યુ.એસ. અને કેનેડામાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ હજુ સુધી અન્ય દેશોમાં ક્યારે તેને લોન્ચ કરવામાં આવશે? તેની માહિતી શેર કરી નથી.
એમેઝોન એપની આ સુવિધા સૌથી પહેલા iOS માટે જાહેર કરવામાં આવશે. આ ફીચરને અજમાવવા માટે યૂઝર્સને પ્રોડક્ટના નીચેના ભાગમાં વર્ચ્યુઅલ ટ્રાય-ઓનનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરવું પડશે, ત્યારબાદ કેમેરાની મદદથી પગમાં તે શૂઝ પહેરેલાં જોઈ શકશો. આવી સ્થિતિમાં તમે દરેક એંગલથી શૂઝ જોઈ શકો છો. અત્રે નોંધનીય છે કે, તમે ઈન્ટરનેટ પર વર્ચુઅલ ડિસ્પ્લે પર ફીડબેક લેવા માટે મિત્રો કે અન્ય કોઈ સાથે શેર કરી શકાય છે. આ સાથે જ શૂઝનો કલર પણ બદલી શકાય છે, જેના માટે મોબાઈલ પર એક ઓપ્શન જોવા મળશે.
જો એમેઝોન આ સુવિધા દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં સફળ રહે છે, તો તે ઘણાં લોકોની સમસ્યા હલ કરશે. હાલના સમયમાં ઘણાં લોકોને ઓનલાઈન શૂઝ ખરીદવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આ ફિચર પછી યુઝર્સ ઘરબેઠાં શૂઝ ટ્રાય કરી શકશે અને ખરીદી શકશે.