આજકાલ આપણે જોઈએ છીએ કે ઘણી કાર કંપનીઓ ADAS (Advanced Driver Assistance System)થી સજ્જ કાર ભારતીય બજારમાં લાવી રહી છે. મારુતિ સુઝુકી પણ ADAS-સજ્જ ગ્રાન્ડ વિટારા મિડ-સાઇઝ SUV રજૂ કરવાની યોજના બનાવી રહી છે. ADAS-સજ્જ મારુતિ ગ્રાન્ડ વિટારા આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન 2024) લોન્ચ થવાની ધારણા છે.
આ ટેક્નોલોજી એસયુવીના સ્માર્ટ હાઇબ્રિડ અને સ્ટ્રોંગ હાઇબ્રિડ વેરિઅન્ટના ટોપ-એન્ડ ટ્રિમ્સમાં ઓફર કરવામાં આવે તેવી શક્યતા છે. તેમાં લેવલ 2 ADAS હશે. માત્ર ગ્રાન્ડ વિટારા જ નહીં, ટોયોટા હાઈરાઈડરમાં પણ ADAS ટેક્નોલોજી મળવાની શક્યતા છે. ગ્રાન્ડ વિટારાની રેન્જ રૂ. 10.70 લાખથી શરૂ થાય છે, જે રૂ. 19.20 લાખ સુધી જાય છે. તે લગભગ 28kmpl સુધી માઈલેજ આપી શકે છે.
મારુતિ સુઝુકી એપ્રિલ-જૂન 2024માં તેની ADAS સજ્જ ગ્રાન્ડ વિટારા લોન્ચ કરી શકે છે. તેમાં ઓટોનોમસ ઈમરજન્સી બ્રેકીંગ, લેન કીપ આસિસ્ટ, એડપ્ટીવ ક્રુઝ કંટ્રોલ, બ્લાઈન્ડ સ્પોટ મોનીટરીંગ, ઓટો હાઈ બીમ અને અન્ય ફીચર્સ હોઈ શકે છે. અહેવાલો અનુસાર, મારુતિ સુઝુકી પહેલાથી જ માનેસર ટ્રેક પર ટેસ્ટ રન માટે ICAT (ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી) સાથે વાતચીત કરી રહી છે.
ADAS-સજ્જ ગ્રાન્ડ વિટારા અને હાઇરાઇડરનું ઉત્પાદન ટોયોટા કિર્લોસ્કર મોટર દ્વારા કરવામાં આવશે, જે પહેલેથી જ ગ્રાન્ડ વિટારાનું ઉત્પાદન કરી રહી છે. નવી ADAS-સજ્જ ગ્રાન્ડ વિટારા કિયા સેલ્ટોસ અને હોન્ડા એલિવેટ સાથે સ્પર્ધા કરશે, જે ADAS ટેક્નોલોજી સાથે ઉપલબ્ધ છે. વધુમાં, ADAS ટેક્નોલોજી સાથે અપડેટેડ Hyundai Creta દેશમાં 2024ના પ્રથમ ક્વાર્ટરમાં લોન્ચ કરવામાં આવશે.