ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી રહી છે. વિજય હજારે ટ્રોફી ભારતમાં સ્થાનિક ક્રિકેટમાં રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નાગાલેન્ડ અને મુંબઈ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં મુંબઈની ટીમ 189 રને જીતી હતી. 17 વર્ષના આયુષ મ્હાત્રેએ મુંબઈ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને બેટિંગનું મજબૂત ઉદાહરણ બતાવ્યું છે અને મુંબઈને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આયુષ મ્હાત્રે 181 રન બનાવ્યા હતા
આયુષ મ્હાત્રેએ નાગાલેન્ડ સામે 117 બોલમાં 15 ચોગ્ગા અને 11 છગ્ગા સાથે 181 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સના કારણે ટીમ 400 પ્લસ રન બનાવવામાં સફળ રહી હતી. નાગાલેન્ડના બોલરો તેમની સામે ટકી શક્યા અને તેમણે એવી રીતે બેટિંગ કરી કે વિરોધી બોલરો દાંત કચકચાવીને રહી ગયા.
જયસ્વાલ પાછળ રહી ગયા હતા
આયુષ મ્હાત્રે માત્ર 17 વર્ષ અને 168 દિવસનો છે અને તે લિસ્ટ-એ ક્રિકેટમાં 150થી વધુ રન બનાવનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. તેણે પોતાની શાનદાર બેટિંગથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને સ્ટાર ખેલાડી યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ તોડ્યો છે. જયસ્વાલે વર્ષ 2019માં ઝારખંડ સામે લિસ્ટ-એ ક્રિકેટમાં 150 પ્લસ સ્કોર બનાવ્યો હતો. ત્યારે તેમની ઉંમર 17 વર્ષ 291 દિવસ હતી. પરંતુ હવે આયુષે જયસ્વાલને પાછળ છોડી દીધો છે.
લિસ્ટ-એ મેચમાં 150+ રન બનાવનાર સૌથી યુવા બેટ્સમેન:
- આયુષ મ્હાત્રે (મુંબઈ) – 17 વર્ષ 168 દિવસ
- યશસ્વી જયસ્વાલ (મુંબઈ) – 17 વર્ષ 291 દિવસ
- રોબિન ઉથપ્પા (કર્ણાટક) – 19 વર્ષ 63 દિવસ
- ટોમ પર્સ્ટ (હેમ્પશાયર) – 19 વર્ષ 136 દિવસ
શાર્દુલ ઠાકુરે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું
આયુષ મ્હાત્રે ઉપરાંત શાર્દુલ ઠાકુર, અંગક્રિશ રઘુવંશી અને સિદ્ધેશ લાડે પણ મુંબઈ માટે સારું પ્રદર્શન કર્યું હતું. શાર્દુલે માત્ર 28 બોલમાં 73 રન બનાવ્યા જેમાં 2 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ હતા. આ ખેલાડીઓની જોરદાર બેટિંગના કારણે મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા કુલ 403 રન બનાવ્યા હતા. આ પછી નાગાલેન્ડની ટીમ 214 રનમાં સમેટાઈ ગઈ હતી. નાગાલેન્ડ તરફથી જગદીશા સુચિથે 86 રન બનાવ્યા હતા, પરંતુ તે પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. મુંબઈ માટે શાર્દુલે બેટિંગ બાદ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને બે વિકેટ લીધી અને આ રીતે મુંબઈની ટીમે 189 રનથી મેચ જીતી લીધી.