પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગુરુવારે લંડનમાં પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વખતે ધોનીના જન્મદિવસની ઉજવણી પણ ખાસ રહી છે. ધોનીએ સૌથી પહેલા પરિવાર અને ખાસ મિત્રો સાથે મળી કેક કાપી સેલિબ્રેશન કર્યું હતું.અહીં વિમ્બલ્ડનમાં રાફેલ નડાલ અને ટેલર ફ્રિટ્ઝ વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મેચ રમાઈ હતી. ધોનીની પત્ની સાક્ષી ધોનીએ જન્મદિવસની ઉજવણીનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ફોટોમાં ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટર રિષભ પંત પણ જોવા મળી રહ્યો છે.
ધોનીના ચાહકોએ પણ તેના જન્મદિવસની ઉજવણી માટે ખાસ તૈયારીઓ કરી છે. વિજયવાડામાં પૂર્વ ભારતીય કેપ્ટનનો 41 ફૂટનો કટ આઉટ કરવામાં આવ્યો છે. જેમાં તે પોતાનો હેલિકોપ્ટર શોટ ફટકારતો જોવા મળી રહ્યો છે. એક ચાહકે આ કટ આઉટનો ફોટો પોસ્ટ કર્યો છે. હજારો લોકોએ તેને પસંદ કર્યો છે. જ્યારે સાત હજારથી વધુ લાઈક્સ આવી છે.
આ પહેલીવાર નથી જ્યારે ધોનીને કટ આઉટ કરવામાં આવ્યો હોય. અગાઉ વર્ષ 2018માં કેરળમાં 35 ફૂટ અને ચેન્નાઈમાં 30 ફૂટના કટ આઉટ લગાવવામાં આવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ બે દિવસ પહેલા તેની 12મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. બંનેએ 4 જુલાઈ 2010ના દિવસે લગ્ન કર્યા હતા.
40 વર્ષીય ધોનીએ છેલ્લી મેચ 20મી મે 2022ના દિવસે રમી હતી. ત્યારબાદ તે પીળી જર્સીમાં જોવા મળ્યો હતો. જોકે, ટીમ તે મેચ 5 વિકેટે હારી ગઈ હતી. ટીમ 2022ની આઈપીએલ સિઝનમાં વધુ કંઈ કરી શકી નહોતી અને પોઈન્ટ ટેબલ પર નવમા સ્થાને રહીને પોતાની સિઝન પૂરી કરી હતી. અગાઉ 2021માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્શિપમાં ટીમે ચોથી IPL ટ્રોફી જીતી હતી. હવે તે આવતા વર્ષે CSKની ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે 2023ની સીઝનમાં CSK તરફથી રમશે.