ઓસ્ટ્રેલિયાએ દિગ્ગજ ઓફ સ્પિનર નાથન લાયનના શાનદાર પ્રદર્શનના આધારે બે ટેસ્ટ મેચોની પ્રથમ મેચમાં શ્રીલંકાને 10 વિકેટથી પરાજય આપ્યો છે. ગાલે ટેસ્ટના ત્રીજા દિવસે શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર 4 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્ય માત્ર 4 બોલમાં હાંસલ કરી લીધો છે. ગાલે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન બોલરો સામે શ્રીલંકાની ટીમ બંને દાવમાં ટકી ન શકી હતી. શ્રીલંકાનો પહેલો દાવ 212 રન અને બીજી ઈનિંગમાં માત્ર 110 રનમાં સમેટાઈ ગઈ હતી. શ્રીલંકાના બેટ્સમેન નાથલ લાયન સામે લાચાર દેખાતા હતા. નાથને પ્રથમ દાવમાં પાંચ અને બીજા દાવમાં ચાર વિકેટો લીધી હતી. આ સાથે લાયને ભારતના મહાન ઓલરાઉન્ડર કપિલ દેવને પણ પાછળ છોડી દીધો છે.
ટોપ 10 બોલરોમાં ઓસ્ટ્રેલિયાના ત્રણ બોલર
નાથન લાયન ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં સ્વર્ગસ્થ શેન વોર્ન (708 વિકેટ) અને ગ્લેન મેકગ્રા (563)નો સમાવેશ થાય છે. આ યાદીમાં વોર્ન બીજા અને મેકગ્રા 5માં નંબરે છે.
ટેસ્ટ ક્રિકેટમાં નાથન લાયનના નામે 436 વિકેટ
નાથન લાયનના નામે હવે 109 ટેસ્ટ મેચોમાં 436 વિકેટ છે. ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે 131 મેચમાં 434 વિકેટ લીધી હતી. આ સિવાય ટેસ્ટ ક્રિકેટના ટોપ 10 બોલરોની યાદીમાં પણ નાથન લાયનનો સમાવેશ થયો છે.
લાયન પાસે વધુ એક તક
લાયન પાસે હવે બીજી ટેસ્ટમાં પૂર્વ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેન અને ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડવાની તક છે. ડેલ સ્ટેને 93 ટેસ્ટ મેચમાં 439 વિકેટ ઝડપી છે જ્યારે અશ્વિને 86 ટેસ્ટ મેચમાં 442 વિકેટ લીધી છે. અશ્વિન આઠમા અને સ્ટેન નવમા નંબર પર છે. જો રવિચંદ્રન અશ્વિન પણ ઈંગ્લેન્ડ સામેની 5મી ટેસ્ટમાં પ્રવેશ કરે છે તો તેની પાસે પણ વિકેટોની સંખ્યા વધારવાની તક છે.