વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની સદી પૂરી કરી લીધી છે. આ સાથે તે 500મી ઈન્ટરનેશનલ મેચમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. અત્યાર સુધી 9 ખેલાડીઓ 500 કે તેથી વધુ મેચ રમી ચૂક્યા છે પરંતુ આ સિદ્ધિ કોઈ કરી શક્યું નથી.
સચિન તેંડુલકર, શાહિદ આફ્રિદી, સનથ જયસૂર્યા, જેક કાલિસ. રિકી પોન્ટિંગ, રાહુલ દ્રવિડ, મહેલા જયવર્દને, કુમાર સંગાકારા, શાહિદ આફ્રિદી, મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓ 500 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે. આટલી બધી મેચ રમનાર માસ્ટર બ્લાસ્ટર પ્રથમ ખેલાડી બન્યો છે. આ રીતે વિરાટ કોહલીએ 500મી મેચમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે.
વિરાટે સદી પૂરી કરતાની સાથે જ તેની વેડિંગ રિંગને કિસ કરી હતી. પ્રથમ ટેસ્ટમાં તે 24 રનથી સદી ચૂકી ગયો હતો. પરંતુ હવે તેણે વિદેશમાં સદીઓનો દુષ્કાળ પણ ખતમ કરી દીધો છે. વિરાટના બેટથી ઘરની બહાર છેલ્લી સદી વર્ષ 2019માં બની હતી. આ સાથે વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 76 સદી ફટકારી છે.
વિરાટે 500 આંતરરાષ્ટ્રીય મેચો બાદ સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધો છે. માસ્ટર બ્લાસ્ટરે 500 આંતરરાષ્ટ્રીય મેચોમાં 75 સદી ફટકારી છે જ્યારે કોહલીએ 76 સદી ફટકારી છે. વિરાટની આ સદી સાથે તેના ટેસ્ટ ફોર્મને લઈને ઉઠેલા સવાલો પર પૂર્ણવિરામ લાગી ગયું છે.
એટલું જ નહીં વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ સદી ફટકારવાના મામલે ટોપ-3માં પ્રવેશી ગયો છે. આ સદી બાદ તેણે તેના ફેવરિટ એબી ડી વિલિયર્સને પાછળ છોડી જેક કાલિસની બરાબરી કરી લીધી છે. જેણે વિન્ડીઝ સામે 12 સદીની ઇનિંગ્સ રમી છે.
આ યાદીમાં પૂર્વ ભારતીય દિગ્ગજ સુનીલ ગાવસ્કર ટોચ પર છે. ગાવસ્કરે વેસ્ટ ઈન્ડિઝ સામે 13 સદી ફટકારી હતી. હવે વિરાટ કોહલી આ ટીમ સામે વધુ 2 સદી ફટકારશે તો તે આ યાદીમાં ટોપ પર આવી જશે. વિન્ડીઝ સામે વિરાટની ઇનિંગ પર તમામની નજર ટકેલી રહેશે.
વેસ્ટ ઈન્ડિઝ સામે વિરાટ કોહલીની સદીના કારણે ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલના બેટથી પણ શાનદાર અડધી સદી જોવા મળી હતી. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ તેના માત્ર 4 બેટ્સમેન ગુમાવ્યા છે.