ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ત્રણ વર્ષથી સદી માટે તરસી રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ હોય કે પછી આઇપીએલ વિરાટ કહોલીના બેટથી રન બની રહ્યા જ નથી. હાલમાં સાઉથ આફ્રિકા સામે પાંચ મેચની ટી20 ઇન્ટરનેશનલ સીરિઝ દરમિયાન વિરાટ કહોલીને આરામ પર મોકલવામાં આવ્યો હતો. ત્યારે હવે વિરાટ કહોલી 1 જુલાઈથી ઇંગ્લેન્ડ સામે બર્મિંગહામમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમતો જોવા મળશે.
આ મહત્વની મેચ પહેલા ફરી એકવાર વિરાટ કોહલીના ફોર્મને લઇને સવાલ ઉઠી રહ્યા છે. ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવે વિરાટ કોહલીના ફોર્મને લઇને સવાલ ઉઠાવ્યા છે. કપિલ દેવે વિરાટ કહોલીને ટોણો મારતા કહ્યું કે જો તમારું પ્રદર્શન સારું નથી તો લોકો પાસે મૌન રહેવાની આશા પણ ના રાખવી જોઇએ.
કપિલ દેવે કહ્યું- જો તમે તમારી રમતથી અમને ખોટા સાબિત કરશો, તો અમે સ્વીકાર કરી લઇશું. વિરાટ કોહલી જેવા મોટા ખેલાડીને સદી માટે રાહ જોવી પડે છે તે જોઇને મને દુ:ખ થાય છે. વિરાટ કહોલી અમારા માટે હીરોની જેમ છે. આજે વિરાટ કહોલીની સરખામણી સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વિરેન્દ્ર સહેવાગ જેવા ખેલાડીઓ સાથે કરવામાં આવે છે, પરંતુ અમે ક્યારે વિચાર્યું ન હતું કે અમને આવો ખેલાડી મળશે.
કપિલ દેવે અનકટ પરની વાતચીતમાં કહ્યું- જો તમે રન નહીં બનાવો, તો લોકોને તો એવું જ લાગશે કે ક્યાંક ને ક્યાંક કંઈક ખોટું છે. લોકો માત્ર તમારા પ્રદર્શનને જોવે છે અને જો તમારું પ્રદર્શન સારું નથી તો લોકો પાસે મૌન રહેવાની આશા પણ ના રાખો. તમારું બેટ અને પ્રદર્શન જ બોલવું જોઇએ.