ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ વરસાદને કારણે ડ્રો રહી હતી. શ્રેણી હજુ પણ 1-1થી બરાબર છે. આ મેચ બાદ ભારતીય સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ તેની નિવૃત્તિ પહેલા જ જસપ્રિત બુમરાહે તેનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. બુમરાહે ત્રીજી ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ અને બેટિંગ કરી હતી. બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી.
બુમરાહે અજાયબી કરી બતાવી
મેચમાં 9 વિકેટ લઈને જસપ્રીત બુમરાહ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડીને નંબર-1નો તાજ હાંસલ કર્યો છે. બુમરાહે WTC 2023-25માં કુલ 66 વિકેટ લીધી છે. જ્યારે અશ્વિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં કુલ 63 વિકેટ લીધી હતી. બુમરાહ નિવૃત્તિ પહેલા જ અશ્વિન કરતા આગળ નીકળી ગયો છે. આ યાદીમાં પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્ક ત્રીજા નંબરે છે. બંને બોલરોએ 62-62 વિકેટ લીધી છે.
WTC 2023-25માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદી:
- જસપ્રીત બુમરાહ- 66 વિકેટ
- રવિચંદ્રન અશ્વિન – 63 વિકેટ
- પેટ કમિન્સ – 62 વિકેટ
- મિચેલ સ્ટાર્ક-62 વિકેટ
- જોશ હેઝલવુડ-57 વિકેટ
બુમરાહ શાનદાર ફોર્મમાં છે
જસપ્રીત બુમરાહ શાનદાર ફોર્મમાં છે અને તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પોતાના દમ પર 8 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ 295 રનથી જીતી લીધી હતી. ત્યારબાદ તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. બીજી ટેસ્ટ મેચમાં પણ તે અસરકારક રહ્યો હતો અને ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો તેની બોલિંગ સામે ટકી શક્યા ન હતા. ટેસ્ટ ડ્રો હોવા છતાં તેણે પોતાની રમતથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે અત્યાર સુધી ટેસ્ટ મેચમાં 194 વિકેટ લીધી છે.
અશ્વિને 500 થી વધુ ટેસ્ટ વિકેટ લીધી છે
ઓવરઓલ રેકોર્ડ પર નજર કરીએ તો રવિચંદ્રન અશ્વિન નંબર 1 પર યથાવત છે. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં કુલ 195 વિકેટ લીધી છે. અહીં બુમરાહ પાંચમા નંબર પર છે. તેણે WTCમાં 145 વિકેટ પોતાના નામે કરી છે. ભારતમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં અશ્વિન ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. આ પછી તેણે ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો. ત્યારબાદ ત્રીજી ટેસ્ટથી તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. અશ્વિનની ગણતરી ભારતના મહાન બોલરોમાં થાય છે અને તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તેણે 537 ટેસ્ટ વિકેટ લીધી છે.