ઓસ્ટ્રેલિયા પહોંચતાની સાથે જ જસપ્રીત બુમરાહે બોલથી તબાહી મચાવી હતી. પર્થમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં બુમરાહે પહેલા જ દિવસે ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરની કમર તોડી નાખી હતી. પ્રથમ બેટિંગ કરતી વખતે ભારતીય બેટ્સમેનો નિષ્ફળ જવા છતાં બોલિંગમાં અજાયબીઓ કરી હતી. ભારતનો પ્રથમ દાવ 150 રનમાં સમેટાઈ ગયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ જ્યારે બેટિંગ કરવા ઉતરી ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે મહેમાન ટીમના બોલરો કાંગારૂ બેટ્સમેનોની આટલી ખરાબ સ્થિતિ કરશે.
ભારતના 150 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમતના અંતે 7 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર 67 રન બનાવ્યા હતા. પહેલા દિવસે બુમરાહે 4 બેટ્સમેનોનો શિકાર કર્યો હતો. આ પછી બીજા દિવસની રમત શરૂ થતાં જ બુમરાહે એલેક્સ કેરીને પેવેલિયનનો રસ્તો બતાવીને ટેસ્ટમાં 11મી વખત 5 વિકેટ ઝડપી હતી. તેણે ટેસ્ટમાં સૌથી વધુ 5 વિકેટ લેવાના મામલે ઝહીર ખાન અને ઈશાંત શર્માની બરાબરી કરી છે.
વસીમ અકરમનો રેકોર્ડ તૂટ્યો
આટલું જ નહીં, બુમરાહે સેના (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાં 7મી વખત ટેસ્ટ ઇનિંગ્સમાં 5 વિકેટ લેવાનું મોટું કારનામું કર્યું. આ રીતે, બુમરાહે સેના દેશોમાં સૌથી વધુ 5 વિકેટ લેવાના કપિલ દેવના રેકોર્ડની બરાબરી કરી. જ્યારે બુમરાને કપિલ દેવની બરાબરી કરી હતી, તો તેણે પાકિસ્તાનના મહાન ઝડપી બોલર વસીમ અકરમના મહાન રેકોર્ડને પણ તોડી નાખ્યો હતો. બુમરાહે ઓસ્ટ્રેલિયાની ધરતી પર એલેક્સ કેરીના રૂપમાં પોતાનો 37મો શિકાર લીધો હતો. આ રીતે બુમરાહ 1990 બાદ ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વિકેટ લેનારો એશિયન ફાસ્ટ બોલર બની ગયો છે. તેણે અકરમના 36 વિકેટના આંકડાને પાછળ છોડી દીધો.
ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ વિકેટ લેનાર એશિયન ઝડપી બોલર (1990 થી)
- જસપ્રીત બુમરાહ : 37
- વસીમ અકરમ : 36
- મોહમ્મદ શમી : 31
- ઈશાંત શર્મા : 31
- ઉમેશ યાદવ : 31