દ.આફ્રિકા વિરૂદ્ધ પાંચ મેચની T20 સિરીઝ 2-2 પર ડ્રો થઈ ગઈ છે. હવે ત્યારપછી ટીમ ઈન્ડિયાના મોટાભાગના પ્લેયર્સ પાસે આરામ કરવાનો સમય પણ મળશે નહીં. કારણ કે આગામી 6 મહિનામાં ભારતીય ટીમ વિદેશમાં પોતાનો ડંકો વગાડશે. T20 વર્લ્ડ કપ સુધી ભારતે બેક ટુ બેક મેચ વિદેશમાં રમવાની છે. જેના માટે રાહુલ દ્રવિડે પોતાની આર્મી તૈયાર કરી રાખી છે.
સૌથી પહેલાં ભારતે આયરલેન્ડ વિરૂદ્ધ 2 T20 મેચ રમવાની છે. જેની પહેલી મેચ 26 જૂન અને બીજી મેચ 28 જૂને રમાશે. આ સિરીઝ માટે ભારતે હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવ્યો છે કારણ કે સીનિયર ખેલાડી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ મેચની તૈયારીમાં વ્યસ્ત જોવા મળશે.
ટીમ ઈન્ડિયા 1-5 જુલાઈ સુધી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટ મેચ રમશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોવિડ-19ના કારણે પાંચ મેચની સિરીઝની છેલ્લી મેચ આયોજિત થઈ શકી નહોતી. ટેસ્ટ મેચ પછી ભારતને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 3 T20 અને ત્રણ મેચની વનડે સિરીઝ પણ રમાશે, ભારતના ઇંગ્લેન્ડ ટૂરની સમાપ્તિ 17 જુલાઈએ થશે.
ઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડનું શિડ્યૂલ
- 24-27 જૂન વોર્મ-અપ મેચ V/S લિસ્સેસ્ટરશાયર
- 1-5 જુલાઈ પાંચમી ટેસ્ટ મેચ, એજબેસ્ટન
- 1 જુલાઈ T20 વોર્મ અપ મેચ V/S ડર્બીશાયર
- 3 જુલાઈ T20 વોર્મ અપ મેચ V/S નોર્થમ્પટનશાયર
- 7 જુલાઈ પહેલી T20, ધ એજિસ બાઉલ
- 9 જુલાઈ બીજી T20, એજબેસ્ટન
- 10 જુલાઈ ત્રીજી T20, ટ્રેન્ટ બ્રિજ
- 12 જુલાઈ પહેલી વનડે, ધ ઓવલ
- 14 જુલાઈ બીજી વનડે, લોર્ડ્સ
- 17 જુલાઈ ત્રીજી વનડે, ઓલ્ડ ટ્રેફર્ડ
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટૂર સમાપ્ત થયા પછી ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર જશે, જ્યાં તે ત્રણ વનડે અને 5 T20 મેચ રમશે. ખાસ વાત એ છે કે T20 સિરીઝની છેલ્લી 2 મેચ અમેરિકામાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ આ ટૂર 22 જુલાઈથી શરૂ થશે અને છેલ્લી મેચ 7 ઓગસ્ટે રમાશે.