ભારત અને પાકિસ્તાન (India Pakistan Cricket Match) વચ્ચે મેચ થવાની છે, એવું સાંભળીને ક્રિકેટ રસિકો ભારત-પાકિસ્તાનની મેચ જોવા ઉતાવળા થઇ જતા હોય છે. ત્યારે હવે ક્રિકેટ પ્રેમીઓ માટે વધુ એક ખુશખબર સામે આવી છે. ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે એશિયા કપમાં ખૂબ જ જલ્દી મેચ રમાવાની છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે એશિયા કપની (Asia Cup 2022) મેજબાની શ્રીલંકા કરી રહ્યું છે. આ ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022ની શરૂઆત 27 ઓગસ્ટના રોજ થશે. જોકે, હજી સુધી ટૂર્નામેન્ટનું શેડ્યુઅલ જાહેર કરવામાં નથી આવ્યું.
ભારતે પાકિસ્તાન સામે રમવા અને શ્રીલંકા પ્રવાસ માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. જેને લઈને શ્રીલંકાએ ટૂર્નામેન્ટ માટે તૈયારીઓ આરંભી દીધી છે. 21 ઓગસ્ટથી ક્વોલિફાયર રાઉન્ડ શરુ કરી દેવામાં આવશે. તો 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી ટૂર્નામેન્ટની મેચ રમાશે. ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ રોહિત શર્મા, જયારે પાકિસ્તાનની કેપ્ટનશીપ બાબર આઝમ સંભાળશે. ગત ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં પાકિસ્તાને 10 વિકેટે જીત મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશે પોતાનું સ્થાન પહેલેથી જ નિશ્ચિત કરી દીધું છે. આ ઉપરાંત યુએઈ, નેપાળ, ઓમાન, હોંકૉન્ગ અને બાકીની ટીમો વચ્ચે ક્વોલિફાયર રાઉન્ડ રમાશે. ટીમ ઇન્ડિયા આ વખતે ડીફેન્ડીગ ચેમ્પિયન છે, જેણે ગત ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં બાંગ્લાદેશને હાર આપી હતી.
રિપોર્ટ્સ અનુસાર, એશિયા કંપની શરૂઆતના બીજા જ દિવસે એટલે કે 28 ઓગસ્ટના રોજ ભારત-પાકિસ્તાનની મેચ યોજાઈ શકે છે. મહત્વનું છે કે, 28 ઓગસ્ટના રોજ રવિવાર છે અને ભારત-પાકિસ્તાનની મેચ માટે આનાથી વધુ સારો બીજો કોઈ દિવસ ન હોઈ શકે. રવિવાર અને ભારત-પાકિસ્તાનની મેચના સંગમનો ફાયદો એશિયન ક્રિકેટ કાઉન્સિલ સહિત બ્રોડકાસ્ટર્સને વધુમાં વધુ TRP મળી શકે છે. જેના કારણે આ મેચ માટે રવિવાર પસંદ કરાયો છે.