કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 28 જુલાઈથી ઈંગ્લેન્ડના બર્મિગહામ શહેરમાં થવા જઈ રહી છે. 12 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટનું સમાપન 8 ઓગસ્ટે થશે. આ વર્ષે ભારતના કુલ 215 ખેલાડીઓ ભાગ લેશે. જોકે કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસની વાત કરીએ તો તેની પહેલી સિઝન 1930માં રમવામાં આવી હતી. જેમાં ભારતે ભાગ લીધો ન હતો. ભારતે પહેલીવાર 1934 કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો. જ્યાં 1 મેડલ ભારતના ખાતામાં આવ્યો હતો. અત્યાર સુધી કોમનવેલ્થ ગેમ્સની 21 સિઝન પૂરી થઈ ગઈ છે. જેમાં ભારતે 1930, 1950, 1962 અને 1986માં ચાર વખત ભાગ લીધો ન હતો.
રાશિદ અનવરે અપાવ્યો પ્રથમ મેડલ:
રેસલર રાશિદ અનવરે ભારતને સૌથી પહેલો મેડલ ડેબ્યુ સિઝન 1934માં અપાવ્યો હતો. તેમણે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. આ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સને બ્રિટિશ એમ્પાયર ગેમ્સ કહેવામાં આવતી હતી.
આઝાદી પછી ભારતે પહેલીવાર 1954માં ભાગ લીધો:
ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં પહેલીવાર 1954માં ભાગ લીધો. તે વર્ષે ભારતની ઝોળીમાં એકપણ મેડલ આવ્યો નહતો. 1966માં પહેલીવાર ભારત મેડલની યાદીમાં બેનો આંકડો સ્પર્શ કરવામાં સફળ રહ્યું. તે સમયે ભારતે કુલ 10 મેડલ જીત્યા. તેના પછી સતત ભારતના મેડલની યાદીમાં વધારો થતો ગયો.
2010માં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું:
ભારતને એક વાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તક મળી અને તે દરમિયાન ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ મેડલ પોતાના નામે કરવામાં સફળતા મેળવી. 2010 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન દિલ્લીમાં થયું હતું અને ભારતે કુલ 101 મેડલ જીત્યા હતા. તે સિવાય ભારત ક્યારેય 100નો આંકડો સ્પર્શ કરવામાં સફળ રહ્યું નથી.
છેલ્લી સિઝન ભારત માટે કેવી રહી:
2018માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમેરિકામાં થયું હતું. આ દરમિયાન ભારતે 26 ગોલ્ડની સાથે 20 સિલ્વર અને તેટલાં જ બ્રોન્ઝ સાથે કુલ 66 મેડલ પોતાના નામે કર્યા હતા. મેડલની યાદીમાં ભારતે ઓસ્ટ્રેલિયાના 198 મેડલ અને ઈંગ્લેન્ડ 136 મેડલ પછી ત્રીજું સ્થાન મેળવ્યું.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યા 503 મેડલ:
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધી કુલ 503 મેડલ જીત્યા છે. જેમાં ટીમ ઈન્ડિયાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2010 કોમનવેલ્થ ગેમ્સમાં જોવા મળ્યું હતું. ભારતે તે સમયે 101 મેડલ જીતીને બીજું સ્થાન મેળવ્યું હતું. ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી 181 ગોલ્ડ, 173 સિલ્વર અને 149 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
કઈ ગેમ્સમાં ભારત મજબૂત:
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રદર્શન શૂટિંગ, વેઈટલિફ્ટિંગ અને રેસલિંગમાં શાનદાર રહ્યું છે. અત્યાર સુધી શૂટિંગમાં ભારત 63 ગોલ્ડની સાથે 135 મેડલ, વેઈટલિફ્ટિંગમાં 43 ગોલ્ડની સાથે 125 મેડલ અને રેસલિંગમાં 43 ગોલ્ડની સાથે 102 મેડલ જીત્યા છે. 503માંથી 362 મેડલ તો ભારતે આ ત્રણ રમતમાં જ જીત્યા છે