ઈન્ડિયન ટીમે રાજકોટમાં રમાયેલી ચોથી T20 ઈન્ટરનેશનલ મેચમાં દ.આફ્રિકાને 82 રનથી હરાવી દીધી છે. આ જીતની સાથે જ ભારતીય ટીમે 5 મેચની સિરીઝમાં 2-2ની બરાબરી કરી લીધી છે. ભારતની આ જીતનો હીરો ઈન્દોરનો રહેવાસી ફાસ્ટ બોલર આવેશ ખાન છે આવેશ ખાને મેચમાં 18 રન આપી 4 વિકેટ લીધી હતી. આવેશ ખાનની ત્રીજી ઓવર ઘણી રસપ્રદ રહી હતી. આ ઓવરમાં આવેશે ત્રણ વિકેટ લીધી અને આફ્રિકન ખેલાડી માર્કો યાન્સેને પોતાના ફાસ્ટ બાઉન્સરથી ડરાવી દીધો હતો. બાઉન્સર એટલો આક્રમક હતો કે મેચને 10 મિનિટ સુધી રોકવી પડી. આવેશે આ મેચ પોતાના પિતાને સમર્પિત કરી હતી. શુક્રવારે તેમના પિતાનો જન્મદિવસ હતો.
આવેશ ખાન આ સિરીઝની પહેલી 3 મેચમાં વિકેટ નહોતો લઈ શક્યો. એવામાં ભારતીય ટીમ મેનેજમેન્ટની પસંદગી સામે સવાલો ઊઠી રહ્યા હતા. જોકે આ વખતે આવેશે 4 વિકેટ ઝડપી પોતાના દમ પર મેચ જિતાડી દીધી હતી. ભારતીય ટીમની બાજી પલટી દીધી હતી.
- પહેલો બોલઃ બેક ઓફ લેન્થ બોલને માર્કો યાન્સને થર્ડ મેન પર રમી એક રન લીધો
- બીજો બોલઃ દ.આફ્રિકાનો ધીમો રન રેટ ફાસ્ટ કરવા ડુસેને લોફ્ટેડ શોટ રમ્યો, જેનો કેચ ડીપ મિડવિકેટ પર ઋતુરાજ ગાયકવાડે પકડી લીધો હતો.
- ત્રીજો બોલઃ આવેશનો ફાસ્ટ બાઉન્સર યાન્સનના માથાના પાછળના ભાગ પર વાગ્યો. તે આ દરમિયાન દર્દથી કણસતો જોવા મળ્યો હતો. ત્યાર પછી કન્કશન નિયમના કારણે ફિઝિયોએ ગ્રાઉન્ડ પર જઈને રૂટિન ચેકઅપ કર્યું હતું. લગભગ 10 મિનિટ સુધી મેચ રોકવી પડી હતી.
- ચોથો બોલઃ બાઉન્સર વાગ્યા પછી યાન્સને ડીપ મિડવિકેટ પર શોટ રમ્યો, જેનો સીધો કેચ ગાયકવાડના હાથમાં આવી ગયો હતો.
- પાંચમો બોલઃ આવેશે વધુ એક બાઉન્સર ફેંક્યો. તેનો બાઉન્સ પરખી ન શકતાં વિકેટકીપર રિષભ પંત પણ બોલ રોકી ન શક્યો અને દ.આફ્રિકાને 4 રન બાયમાં મળ્યા હતા.
- છઠ્ઠો બોલઃ આવેશે કેશવ મહારાજની વિકેટ લીધી અને આ ઓવરમાં 3 ખેલાડીને પેવેલિયન ભેગા કરી દીધા હતા. ત્યાર પછી દ.આફ્રિકાની ટીમ ધ્વસ્ત થઈ ગઈ હતી.