દુનિયાને તેમની બેટિંગથી દિવાના બનાવનાર મહેન્દ્ર સિંહ ધોની અત્યારે ઘૂંટણના દુખાવાથી પરેશાન છે. કેપ્ટન કૂલ તેમની સારવાર વિદેશ કે દેશની કોઈ મોટી હોસ્પિટલમાં નથી કરાવતા, પરંતુ ઝારખંડના જંગલમાં બનેલા એક નાનકડા આશ્રમમાં કરાવી રહ્યા છે. ધોની વૈદ્યની એક આયુર્વેદિક દવા લઈ રહ્યા છે, જેની ફી માત્ર 40 રૂપિયા છે. પાટનગર રાંચીથી 70 કિમી દૂર લાપુંગના જંગલ વિસ્તારમાં રહેતા વૈદ્ય વંદન સિંહ ખેરવાર તેમની સારવાર કરી રહ્યા છે. અંદાજે એક મહિનાથી તેઓ આ દવા લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ધોની દર 4 દિવસે તેમની પાસે આવી છે અને જડીબુટ્ટીવાળી દવાથી સારવાર કરાવી રહ્યા છે.
વૈદ્યે જણાવ્યું હતું કે જ્યારે ધોની પહેલીવાર તેમની પાસે આવ્યા ત્યારે હું તેમને ઓળખી જ નહોતો શક્યો, સાથે આવેલા લોકોએ પરિચય કરાવ્યો, ત્યારે અહેસાસ થયો કે આમને તો ટીવી સ્ક્રીન પર બેટ ઘુમાવતા જોયા છે. ધોની જ્યાં જાય ત્યાં ભીડ ભેગી થઈ જાય છે, તેથી વૈદ્ય તેમને આશ્રમમાં અંદર લઈ જઈને સારવાર કરે છે. તેમણે કહ્યું હતું કે ધોનીએ ડિટેલ્સમાં તેમની પીડા જણાવી છે. ધોનીને બંને ઘૂંટણમાં ખૂબ દુખાવો થાય છે. વૈદ્ય વંદનના જણાવ્યા પ્રમાણે, ધોનીને ઘૂંટણમાં કેલ્શિયમની કમી છે. સારવાર માટે તેમને જડીબુટ્ટીવાળી દવા દર 4 દિવસે આપવામાં આવે છે.
વૈદ્ય વંદને જણાવ્યું હતું કે તેઓ ફી તરીકે માત્ર 20 રૂપિયા લે છે. એ સાથે જ જરૂર પડે તો દવાના અલગથી રૂ. 20 લે છે. તેમણે સ્માઈલ આપતાં કહ્યું હતું કે ધોની એક ઈમાનદાર દર્દીની જેમ તેમના 40 રૂપિયા જાતે જ આપી દે છે. ગઈ વખતે 26 જૂને તેમની પાસે દવા લેવા આવ્યા હતા. તેમણે દાવો કર્યો છે કે ધોનીનાં માતા-પિતા પણ અહીંની દવા લઈ ચૂક્યાં છે. તેમણે કહ્યું હતું કે ધોનીના બંને ઘૂંટણમાં દુખાવો છે અને તેઓ છેલ્લા 3 મહિનાથી દવા લઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે તેમનાં માતા-પિતાને દવાથી ફાયદો થતાં ધોની પણ તેમની પાસે દવા લેવા આવે છે.
વૈદ્ય વંદને જણાવ્યું હતું કે ધોની જ્યારે પણ આવે છે ત્યારે લોકો તેમની સાથે ફોટો પડાવવા માટે ભેગા થઈ જાય છે, એટલે જ તેઓ જ્યારે પણ આવે છે ત્યારે ગાડીની બહાર નથી નીકળતા. તેમને દવા ગાડી સુધી પહોંચાડવામાં આવે છે. જોકે અમુકવાર તેઓ પણ ગાડીમાંથી બહાર આવીને ગામના લોકો સાથે ફોટા પડાવે છે.