આજનો દિવસ ક્રિકેટપ્રેમીઓ માટે ઝટકા સમાન રહ્યો. જ્યાં ધોનીએ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી તેની પાછળ પાછળ સુરેશ રૈનાએ પણ પોતાના સંન્યાસની જાહેરાત કરી દીધી છે. ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન સુરેશ રૈનાએ સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.
મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ બાદ રૈનાએ તેના સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે તે પણ આ યાત્રામાં જોડાઈ રહ્યો છે.સુરેશ રૈનાએ ભારતીય ક્રિકેટ ટીમમાં મિડલ ઓર્ડરના બેટિંગ ક્રમમાં ભૂમિકા ભજવી છે. જો કે હવે સુરેશ રૈના ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળશે. સાથે જ સુરેશ રૈના આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ રમે છે.
સુરેશ રૈનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ધોની સાથેની પોતાની એક તસવીર શેર કરતાં લખ્યું કે, ‘તમારી સાથે રમવું એ એક સુંદર અનુભવ હતો માહી. હું ગર્વ સાથે આ યાત્રામાં તમારો સાથી બની રહ્યો છું. આભાર ભારત. જય હિન્દ! ‘
રૈનાને ટેસ્ટ મેચમાં વધારે તક મળી ન હતી. પરંતુ તેણે વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા પ્રયત્નો કર્યા. રૈનાએ 19 મેચોમાં 26.18 ની એવરેજથી 768 રન બનાવ્યા હતા. રૈનાએ વન ડેમાં 226 મેચ રમી હતી અને 35.31 ની એવરેજથી 5,615 રન બનાવ્યા હતા.
રૈનાએ વનડેમાં 5 સદી અને 36 અડધી સદી ફટકારી હતી. રૈનાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ એક મહાન ટ્રેક રેકોર્ડ બનાવ્યો છે. 109 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેણે 42.15ની એવરેજથી 6871 રન બનાવ્યા. તેણે 109 મેચોમાં 14 સદી અને 45 અડધી સદી પણ ફટકારી હતી.
મહત્વનું છે કે વર્ષ 2018 બાદ સુરેશ રૈના એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. ત્યારે આશરે 2 વર્ષ બાદ રૈનાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. જો કે ધોનીની જેમ રૈના IPLમાં રમતો દેખાશે.