ભારત સમેત આખી દુનિયા પર કોરોના વાઇરસની મહામારીએ ભરડો લીધો છે. દુનિયામાં લાખો લોકો તેનાથી પ્રભાવિત છે અને હજારો લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે. ત્યારે દેશમાં ઘણા લોકો કોરોનાવાઈરસને ગંભીરતાથી લઈ રહ્યા નથી અને લૉકડાઉનના નિયમોની અવગણના કરે છે. કોરોનાવાઇરસથી બચવા દરેકને જેમ બને તેમ સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે કહ્યું છે. પરંતુ કોઈ એક વિચિત્ર લાગતી ઘટના પણ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવવા માટે મજબૂર કરી શકે છે. જેમ કે તાજેતરમાં તમિલનાડુના મદુરાઈ જિલ્લાના મદુવરપત્તી ગામમાં એક આખલાનું અવસાન થયું અને તેને અંતિમ વિદાય આપવા માટે આખું ગામ સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનના નિયમો ભુલીનને ઊમટી પડ્યું હતું. આ મૃત આખલાને લોકો ફૂલ અને પૈસાનો હાર ચઢાવી રહ્યા હતા તેમજ આખલાની અંતિમયાત્રા પણ કાઢવામાં આવી. મૃત આખલાનાં અંતિમ દર્શન કરવા એકઠા થયેલા લોકોમાંથી કોઈએ પણ કોરોના વાઇરસની પડી નહોતી.
ન્યૂઝ મીડિયા વેબસાઈટ ‘ધ ન્યૂઝ મિનિટ’એ આ આખલાને વિદાય આપતા લોકોનો વીડિયો શૅર કર્યો છે, જેમાં ઘણી મહિલાઓ કોઈ સ્વજન મૃત્યુ પામ્યું હોય તેમ રડી રહી દેખાય છે. રિપોર્ટ પર પ્રમાણે, આ આખલાનું નામ ‘મૂળી’ હતું. તેણે જલ્લિકટ્ટુ એટલે કે આખલાની લડાઈ સ્પર્ધામાં ઇનામ પણ જીત્યાં હતાં. તો બીજી બાજુ આ ગામમાં આટલા બધા લોકો એકસાથે ઉમટ્યા હોવાની ફરિયાદ પોલીસને કરતાં તેમણે પણ હાથ ઊંચા કરી લીધા હતા અને સામે દાવો કર્યો હતો કે આખલાનું મૃત્યુ પામ્યું તે વાત સાચી છે, પરંતુ તેને અંતિમ વિદાય આપવા માટે માત્ર 10 લોકો જ ભેગા થયા હતા. જ્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે 10 કરતાં ક્યાંય વધારે ગ્રામજનો ભેગા થયા હતા. મહત્વનું છે કે લોકોના પ્રિય એવા આખલાને અંતિમ વિદાય આપવામાં કોઈ ગુનો નથી પણ હાલમાં આ કોરોના વાઇરસને લીધે આવાં કામથી એક નહિ પણ દરેકના જીવ જોખમમાં મુકાઈ શકે છે.