ભારતના ઉભરતા શટલર લક્ષ્ય સેને ચીનના ખેલાડીને હરાવીને કેનેડા ઓપન સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે. લક્ષ્યે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ડિફેન્ડિંગ ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન ચીનના લી શેંગ ફેંગને સીધી ગેમ્સમાં 21-18, 22-20થી હરાવ્યો હતો. વિશ્વ રેન્કિંગમાં 19મા ક્રમે રહેલા લક્ષ્યે બીજી ગેમમાં પાછળ હોવા છતાં 10મા ક્રમના ખેલાડી સામે શાનદાર વાપસી કરીને ખિતાબ જીત્યો હતો. લક્ષ્ય આ વર્ષે પ્રથમ વખત કોઈ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો હતો.
એકંદરે, બંને ખેલાડીઓ વચ્ચે આ છઠ્ઠો મુકાબલો હતો. આ જીત સાથે લક્ષ્યે વિપક્ષી ખેલાડી સામે 4-2થી જીત-હારનો રેકોર્ડ બનાવી લીધો છે. લક્ષ્યને મેચ જીતવા માટે 50 મિનિટ સુધી કોર્ટ પર પરસેવો પાડવો પડ્યો હતો. ટાઈટલ જીત એશિયન ગેમ્સ પહેલા લક્ષ્ય માટે ટોનિક તરીકે કામ કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી તે આંતરરાષ્ટ્રીય સર્કિટ પર શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
લક્ષ્ય સેનની પ્રથમ BWF ફાઈનલ
અગાઉ, લક્ષ્ય સેને સેમિફાઇનલમાં જાપાનના 11મા ક્રમાંકિત ખેલાડીને 21-17 21-14થી હરાવીને તેની બીજી સુપર 500 ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ વર્ષે તેની આ પ્રથમ BWF ફાઈનલ હતી. વર્તમાન સિઝનની શરૂઆતમાં તે ફોર્મમાં નહોતો, જેના કારણે તે રેન્કિંગમાં 19માં નંબરે સરકી ગયો હતો. આ 21 વર્ષીય ખેલાડીએ 2021 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
યામાગુચીએ મહિલા ખિતાબ જીત્યો હતો
વિમેન્સ સિંગલ્સની મેચમાં જાપાનની અકાને યામાગુચીએ થાઈલેન્ડની રત્ચાનોક ઈન્તાનોનને 21-19] 21-16થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ સાથે યામાગુચીનો રત્ચાનોક ઈન્તાનોન સામે જીત-હારનો રેકોર્ડ 13-11 થઈ ગયો છે. આ ટુર્નામેન્ટમાં ભારતને અનુભવી શટલર પીવી સિંધુ પાસેથી ઘણી આશાઓ હતી પરંતુ તે સેમીફાઈનલમાં હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.