ખિમસર રાજસ્થાનના થરના રણ કિનારે પથરાયેલું નગર છે. રાજસ્થાનનો ખિમસર કિલ્લો ઐતિહાસિક કિલ્લો શૌર્ય અને દેશપ્રેમનું પ્રતીક છે. કેન્દ્રના પ્રવાસન નિગમે આ કિલ્લાને ગ્રાન્ટ હેરિટેજ જાહેર કર્યો છે. ખિમસર કિલ્લો અહીંનુ સૌથી પ્રમુખ પ્રવાસન આકર્ષણ છે, જે થાર મરુસ્થળના કિનારે સ્થિત છે. આ કિલ્લાનું નિર્માણ ઠાકુર કરમ સિંહજીએ સોળવી શતાબ્દીમાં કરાવ્યું હતું. જે જોધપુર સંસ્થાપક જોધાજીના 8માં પુત્ર હતા. આ પીળા રંગના કિલ્લાનું નિર્માણ 16મી શતાબ્દીમાં સંપૂર્ણપણે રાજપૂતાના વાસ્તુકળા શૈલીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.
જો તમે વાસ્તુકળાના શોખીન હોવ તો અને વાસ્તુકલાનો અદભૂત સંગમ જોવો હોય તો રાજસ્થાનનો ખિમસર કિલ્લો એક ખુબ જ સારો ઓપ્શન છે. અહીં વાસ્તુશિલ્પ અને કિલ્લાની અંદર બનાવેલી વાસ્તુકલા વાસ્તુપ્રેમીઓને ખુબ જ આકર્ષે છે. ખિમસર કિલ્લામાં ખાસ પ્રકારના પત્થર અને રેતીનો પ્રયોગ કરાયો છે.
ઠાકુર કરમસિંહે બનાવ્યો હતો ખિમસર કિલ્લો
ખિમસર કિલ્લો થાર રણના પૂર્વ કિનારે જોધપુર અને નાગોરી બીચ પર છે. તે લગભગ 500 વર્ષ જુનો કિલ્લો છે. તેનું નિર્માણ રાવ જોધાજીના આઠમા પુત્ર ઠાકુર કરમસિંહે 1523ની આસપાસ કર્યુ હતુ. તેમાં મહિલાઓ માટે ખાસ જગ્યા બનાવાઇ છે. આ ઉપરાંત અહીં એક શાહી વિંગનું પણ નિર્માણ કરાવાયુ હતુ.
શાનદાર વાસ્તુકલાનો અદભૂત નમૂનો
ખિમસર કિલ્લામાં ખાસ પ્રકારના પત્થર અને રેતીનો પ્રયોગ કરાયો છે. તેનાથી આ કિલ્લો સોનેરી રંગમાં ચમકતો દેખાય છે. જાણકારો કહે છે કે આ કિલ્લો બનાવવા માટે પ્રયોગમાં લેવાયેલી વાસ્તુકલામાં નાગોરના પારંપરિક સિધ્ધાંતોનો પ્રયોગ કરાયો છે. કિલ્લામાં ભારતીય, ઇસ્લામિક અને ફારસી શૈલીની વાસ્તુકળાનું મિશ્રણ જોવા મળે છે. એક જ જગ્યા પર તમે ઘણા પ્રકારની વાસ્તુકળાની શૈલીઓથી પરિચિત થશો. ઉલ્લેખનીય છે કે કિલ્લાના વાસ્તુશિલ્પમાં ત્રણ શૈલીઓ મધ્યયુગીન, મુગલ અને અંગ્રેજી શૈલીનો નમૂનો જોવા મળે છે.
ભારતની પ્રમુખ વિરાસતમાં સામેલ
રાજસ્થાનના ખિમસર કિલ્લાને ભારતની પ્રમુખ વિરાસતોમાં સામેલ કરાયો છે. તેની અંદર જૂના હથિયાર, તોપ અને બંદૂકો ઉપરાંત તબેલાઓ અને ખંડેર જોવા મળશે. આ કિલ્લો 11 એકરની જમીન પર બનેલો છે. આ સાથે ત્યાં અદભૂત હરિયાળી પણ જોવા મળે છે, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.
શું છે આ કિલ્લાની ખુબીઓ
આ કિલ્લો પોતાની વાસ્તુકળા માટે ખુબ જ પ્રસિધ્ધ છે. તેની ભવ્યતા જોઇને તે જમાનાના ઠાઠ અનુભવી શકાય છે. આ કિલ્લામાં એન્ટ્રી કરતી વખતે તમને હર્યા ભર્યા બાગ બગીચા અને તેની વચ્ચે ઘણા પ્રકારના જીવજંતુઓ જોવા મળે છે. કિલ્લાની અંદર જતા રસ્તામાં ઘણા સ્તંભ, થાંભલા, નકશીકામ વાળી મુર્તિઓ જોવા મળશે. આ કિલ્લાની માવજત ખુબ જ શાનદાર રીતે કરાઇ છે. કિલ્લાની આસપાસ અન્ય કેટલાય મશહુર અને શાનદાર કિલ્લા હાજર છે. તેમાં મહેરાનગઢનો કિલ્લો, ઉમેદ ભવન પેલેસ પણ છે. ખિમસરના કિલ્લાની સાથે સાથે તમે ત્યાંની મુલાકાત પણ લઇ શકો છો. જો તમે ખિમસરનો કિલ્લો ફરવા ઇચ્છતા હો તો તમારી પાસે અત્યારે બેસ્ટ સમય છે. કેમકે ખિમસરમાં ફરવાનો સૌથી બેસ્ટ સમય ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. ત્યારપછી અહીં અસહ્ય ગરમી પડે છે. આમ તો રાજસ્થાનની કોઇ પણ જગ્યાએ ફરવા માટે આ સમય જ બેસ્ટ છે. આ સીઝનમાં વધુ ગરમી કે ઠંડી પડતી નથી અને તમે ફરવાનો આનંદ માણી શકો છો.
ખિમસરનો કિલ્લો રાજસ્થાનના સૌથી સુંદર કિલ્લામાંનો એક છે. એક કિલ્લામાં હેરિટેજ હોટલ ચાલી રહી છે. જ્યારે એક ભાગમાં આજે પણ રાજવી પરિવાર રહે છે. હોટલ પણ તે પરિવાર ચલાવે છે.