નવી જગ્યાઓ એક્સપ્લોર કરવી અને નવા લોકોને મળવું અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવું. મોટા ભાગના લોકોના મનમાં આવી કંઇક ઇચ્છા તો દબાયેલી જ હશે. ઘણાં લોકો શોખ માટે ફરવાનું પસંદ કરે છે તો ઘણાં લોક કામ અને દરરોજની ભાગદોડમાંથી શાંતિ લેવા માટે ટ્રાવેલિંગ કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે પણ પહેલીવાર એકલા અથવા મિત્રો સાથે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો અથવા તમે ટ્રાવેલર બનવાનું નક્કી કર્યું છે? તો પ્રવાસનું આયોજન કરતા પહેલા એવી જગ્યા પસંદ કરવી ખૂબ જ જરૂરી છે જ્યાં તમે સરળતાથી ફરવા જઈ શકો. કારણ કે આમ કરવાથી તમને ફરી ફરવા જવાનો આત્મવિશ્વાસ મળશે. પ્રથમ વખત સોલો ટ્રાવેલર્સ તમારા નજીકના શહેરોમાં જઈ શકો છો અને ત્યાંથી તેમની ટ્રાવેલ જર્ની (Travel Tips) શરૂ કરી શકો છો.
સ્વાભાવિક છે કે, તમે તમારા ટ્રાવેલિંગના દરેક અનુભવને એક યાદ તરીકે તમારા ફોનમાં કે કેમેરામાં જરૂર કેદ કરશો. તેથી જરૂરી છે કે, તમારો ફોન સતત ફુલ ચાર્જ રહે. આ ઉપરાંત તમે ઇમરજન્સી ઉપયોગ માટે સાથે પાવર બેંક અને ચાર્જર જરૂર રાખો.
કોઇ નવી જગ્યાએ જતા પહેલા પેકિંગ સૌથી મહત્વની બાબત છે. પરંતુ તમારી જર્નીને વધુ સરળ બનાવવા બેગમાં તે જ વસ્તુઓ રાખો, જેના વગર રહેવું શક્ય નથી. ટ્રાવેલિંગ દરમિયાન સરળતાથી કેરી કરી શકાય તેવી બેગપેકમાં જ તમારું પેકિંગ કરો. કપડાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ સિવાય આઇડી, દવાઓ, ટિકિટ વગેરે જરૂર સાથે રાખો.
ફરવા જવાનું સ્થળ પસંદ કર્યા પછી સૌથી મહત્વની બાબત એ છે કે, બજેટનું આયોજન કરવું. તમારે તમારા પ્રવાસનું બજેટ અગાઉથી જ બનાવી લેવું જોઈએ. જેથી તમને પછીથી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આમાં પરિવહન, રહેઠાણ, ખાણી-પીણી અને ખરીદી વગેરેનો અગાઉથી સમાવેશ કરવો જોઈએ. જો તમારું બજેટ ઓછું છે અને અંદાજ વધુ મળી રહ્યો છે, તો તે મુજબ વસ્તુઓનું આયોજન કરો. જેમ કે, મોંઘી હોટલોમાં રહેવાની જગ્યાએ હોસ્ટેલ, સસ્તી પણ સુરક્ષિત હોટલ બૂક કરો. શોપિંગ લિસ્ટ નાનું કરી દો.
ટ્રેન, ફ્લાઇટ કે બસની ટિકિટ સિવાય હોટલ રૂમની બુકિંગ પણ અગાઉ જ કરવાનો આગ્રહ રાખવો. બુકિંગ કરતા પહેલા જે-તે સ્થળનું લોકેશન અને રીવ્યૂ ચેક જરૂરથી કરશો. મુસાફરી દરમિયાન જો તમને આગળનો રસ્તો ખબર નથી અથવા તો તમને ક્યાંક જવા માટેનો રસ્ત મળી રહ્યો નથી, તો કોઇને પૂછવા કે મદદ લેવાથી અચકાશો નહીં.