ઉનાળો દરેકને અકળાવે તેવી ઋતુ છે. પરંતુ તેમ છતાં દર વર્ષે કેટલાક લોકો ઉનાળાની રાહ આતુરતાથી જોતા હોય છે. ખાસ તો બાળકો. નાના મોટા સૌ કોઈ ઉનાળાની રાહ 2 કારણથી જોતા હોય. એક કે આ સીઝનમાં કેરી ખાવા મળે છે અને બીજું કે આ સમયે જ વેકેશન પડે છે. વેકેશન પડવાનું હોય તેની પહેલા જ ફરવા ક્યાં જવું તેનું પ્લાનિંગ થઈ જતું હોય છે.
ઉનાળો ફરવા જવાની સીઝન હોય છે. આ સીઝનમાં ટુરિઝમ બિઝનેસ ધમધમતો થઈ જાય છે. હવે તો લોકોમાં વિદેશ ફરવા જવાનો ક્રેઝ વધ્યો છે તેથી લોકો મહિનાઓ પહેલા જ સર્ચ કરી બુકીંગ પણ કરાવી લેતા હોય છે. કારણ કે ઉનાળાના વેકેશનમાં ફરવાલાયક સ્થળો હાઉસફુલ હોય છે. તેમાં પણ આ વર્ષે ભારતની વાત કરીએ તો લોકોમાં અયોધ્યા અને લક્ષ્યદ્વીપ હોટ ફેવરીટ છે. અને વિદેશ પ્રવાસમાં દુબઈ, બાલી સહતિની જગ્યાઓ સૌથી વધુ સર્ચ થઈ છે.
ટુરીઝમ કંપની મેક માય ટ્રીપે એક રિપોર્ટ શેર કર્યો છે જેમાં તેને જણાવ્યું છે કે વર્ષ 2024 દરમિયાન ફરવા માટે કઈ જગ્યાઓને ભારતીયો અને વિદેશી પ્રવાસી પસંદ કરી રહ્યા છે. જે અનુસાર વર્ષ 2024 ની રજાઓ માટે ભારતીયોએ દુબઈને સૌથી વધુ સર્ચ કર્યું છે. રિપોર્ટમાં સમર ટ્રાવેલ ટ્રેન્ડ અંતર્ગત 20 ફોરેન ટુરિસ્ટ પ્લેસનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ 20 પર્યટન સ્થળોને દુનિયાભરના લોકોએ સૌથી વધુ સર્ચ કર્યું છે.
વર્ષ 2024 માટેના હોટ ફેવરિટ 20 ઇન્ટરનેશનલ ટુરિસ્ટ પ્લેસ
મેક માઈ ટ્રીપના રિપોર્ટ અનુસાર દુબઈ, બેંકોક, સિંગાપુર, બાલી સહિતના દેશ ટોપ 20 ફોરેન ટુરિસ્ટ પ્લેસની યાદીમાં આવે છે. આ રિપોર્ટમાં અન્ય દેશના નામ છે તે આ મુજબ છે.
દુબઈ, બેંકોક, સિંગાપુર, બાલી, કાઠમાંડૂ, કુઆલાલંપુર, ટોરંટો, ફુકેત, દોહા, અબૂ ધાબી, લંડન, કોલંબો, શારજાહ, ન્યૂયોર્ક, જેદ્દા, બાકૂ, હો ચી મિન્હ સિટી, મસ્કટ, હોંગકોંગ, રિયાદ
આ રિપોર્ટ અનુસાર આંતરરાષ્ટ્રીટ ટુરમાં 5 થી 8 દિવસની ટુરમાં સૌથી વધુ બુકીંગ થાઈલેંડ માટે થયું છે. ત્યારબાદ દુબઈ અને પછી બાલી આવે છે. ઉનાળાના વેકેશન દરમિયાન સૌથી વધુ ટુર થાય છે. આ ટુરીંગની સીઝન હોય છે. આ સમય દરમિયાન ટુરિઝમ સેક્ટરમાં પણ ઉછાળો આવે છે.
ઘરેલુ યાત્રા માટે ફેવરિટ સ્પોટ
રિપોર્ટ અનુસાર ભારતીયોનું વલણ ઘરેલુ યાત્રાઓ માટે બદલ્યું છે. લોકો ભારતની જ કેટલીક જગ્યાઓએ ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. જેમાં ઉનાળામાં ઠંડા અને પર્વતીય પ્રદેશોમાં ફરવા જવાનું લોકો વધારે પસંદ કરે છે.
ભારતમાં ફરવા માટે ગોવા પછી સૌથી વધુ સર્ચ શ્રીનગર, ઉદયપુર માટે થઈ છે. આ સિવાય આ વર્ષે અયોધ્યા અને લક્ષ્યદ્વીપ માટે સર્ચ ઝડપથી વધી છે. આ વર્ષે ભારતમાં ફરવાના સ્થળોમાં આ જગ્યાઓનો સમાવેશ થાય છે.
ભારતના ટોપ 15 ટુરિસ્ટ ડેસ્ટિનેશન
અયોધ્યા, લક્ષ્યદ્વીપ, નંદી હિલ્સ, ચલાકુડી, ચેવેલ્લા, ઓંકારેશ્વર, મરયૂર, જિભી, ચકરાતા, સોનમર્ગ, ગણપતિપુલે, પુરુલિયા, ખાટૂ, દ્વારકા, તિરુવન્નમલાઈ