કોરોના મહામારીને કારણે દેશભરમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉનને કારણે અગાઉથી જ મંદીમાં અટવાયેલા રીઅલ એસ્ટેટ સેક્ટરને મોટો ફટકો પડયો હતો. દેશનાં ૯ મોટા શહેરોમાં એપ્રિલથી જૂનનાં ત્રણ મહિનાનાં ગાળામાં મકાનોનાં વેચાણમાં ૬૭ ટકાનો ઘટાડો થયો હતો.
કુલ ૨૧,૨૯૪ મકાનોનું વેચાણ ઘટયું હોવાનું ડેટા એનાલિટિક કંપની પ્રોપ ઇક્વિટીએ જણાવ્યું હતું. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકે જાહેર કરેલા આંકડાઓ મુજબ આ વર્ષે એપ્રિલથી જૂનમાં સાત શહેરોમાં ૧૨,૭૪૦ ઓછા મકાનો વેચાયા હતા.
એપ્રિલથી જૂનમાં ફક્ત ૨૧,૨૯૪ મકાનો વેચાયા
એપ્રિલથી જૂનમાં ફક્ત ૨૧,૨૯૪ મકાનો વેચાયા હતા જે એક વર્ષ અગાઉ આ જ ગાળામાં વેચાયેલા ૬૪,૩૭૮ નંગ મકાનોનાં વેચાણની સરખામણીમાં ૬૭ ટકાનો ઘટાડો દર્શાવે છે. આ ગાળામાં નોઇડા સિવાય આઠ શહેરોમાં મકાનોનાં વેચાણમાં ઘટાડો નોંધાયો હતો.
ગુરુગ્રામમાં ૭૯ ટકા અને ચેન્નઈ તેમજ હૈદરાબાદમાં ૭૪ ટકા ઓછા મકાનો વેચાયા
સમીક્ષા હેઠળના ગાળામાં ગુરુગ્રામમાં મકાનોનાં વેચાણમાં ૭૯ ટકાનો ઘટાડો થયો હતો અને ૩૬૧ મકાનો જ વેચાયા હતા જ્યાં ગયા વર્ષે ૧,૭૦૭ યુનિટનું વેચાણ થયું હતું. ચેન્નઈ અને હૈદરાબાદમાં ૭૪ ટકા ઓછા મકાનો વેચાયા હતા અને અનુક્રમે ૯૯૬ તેમજ ૧,૫૨૨ મકાનો વેચાયા હતા.