સમગ્ર દેશમાં ચાલી રહેલા લોકડાઉનમાં ઘરે રહીને જ આપણે સમયનો સદઉપયોગ કરીએ. વાળમાં જો બેજાન અને રૂક્ષ થઇ ગયા હોય તો ફરીથી એમા જાન લાવીએ. વાળને કુદરતી રીતે જ ચમકદાર અને સોફ્ટ કરવા માટે ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. અત્યારે હેર સ્ટ્રેટનીંગની ફેશન ચાલી રહી છે. તો વાળને સ્ટ્રેટનીંગ કરવા માટે કેમિકલનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે, જે વાળ માટે હાનિકારક છે. પરંતુ સ્ટ્રેટ વાળ કુદરતી રીતે જ થઈ જાય તો વાળને હાનિકારક તત્વોથી બચાવી શકાય છે. આજે જોઈએ કે, આપણે ઘરે જ બેસીને વાળ કેવી રીતે સીધા અને ચમકદાર બનાવી શકીએ છીએ.
હોટ કોકોનટ ઓઈલ
નારિયેળ તેલ એક એવું તેલ છે જે વાળ માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. વાળને સીધા કરવા માટે નારિયેળ તેલ લઈ તેને ગરમ કરી લેવું. તેને વાળમાં લગાવી હળવા હાથે માલિશ કરવી. ત્યારબાદ ગરમ ટોવેલથી વાળને ઢાંકી દેવા. આવું નિયમિત કરવાથી વાળમાં ચમક આવશે અને વાળ સીધા થઈ જશે.
કેળા
બે કેળાને સારી રીતે છુંદી લો તેમાં મોટા ચમચા મધ, દહીં અને જૈતુનને ભેળવીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને બે કલાક માટે પોતાના વાળમાં લગાવી દો. આ પેસ્ટમાંથી સારા પોષકતત્વો મળે છે, જેનાથી વાળ સીધા, ચમકદાર અને સ્વસ્થ બને છે.
લીંબુનો રસ અને નારિયેળ
નારિયેળમાંથી પાણી કાઢી લેવું, ત્યારબાદ તેમાં લીંબુનો રસ નાખી બરાબર મિક્ષ કરી લેવું. આ મિશ્રણને એક દિવસ માટે ફ્રિઝમાં મૂકી દેવું. ત્યારબાદ આ એકદમ ક્રિમી પેસ્ટ બની જશે. આ મિશ્રણને વાળ અને મૂળમાં સરખી રીતે લગાવી મસાજ કરવો. ત્યારબાદ હોટ ટોવેલનો ઉપયોગ કરવો. એક કલાક બાદ તેને ધોઈ લેવા અને સપ્તાહમાં ત્રણવાર આ પ્રયોગ કરવો. આવું કરવાથી વાળ સિલ્કી સ્ટ્રેટ બનશે અને વાળને પોષણ પણ મળશે.
દૂધ અને મધ
જેના વાળ કર્લી હોય અને તેઓ પોતાના વાળને કુદરતી રીતે સીધા અને સુંદર બનાવવા માગતા હોય તો તે માટે દૂધ અને મધ સરખાં પ્રમાણમાં મિક્ષ કરી લેવું અને આ મિશ્રણ વાળમાં લગાવી અડધા કલાક પછી વાળ ધોઈ નાખવા. આવું કરવાથી વાળને પોષણ તો મળશે સાથે કર્લી વાળ સ્ટ્રેટ થઈ જાય છે.
મુલતાની માટી
એક કપ મુલતાની માટી લઈ અને તેમાં એક ઈંડુ અને ૫ ચમચી ચોખાનો લોટ મિક્ષ કરવો અને તેને સરખી રીતે મિક્ષ કરી લેવું. મોટા દાંતિયાવાળી કંગીથી સરખી રીતે વાળ ઓળી લેવા. વાળમાં માટી લગાવ્યા બાદ વાળને ખુલ્લા જ રાખવા તેને બાંધવા નહીં. આ માટીને વાળમાં ૪૦ મિનિટ સુધી લગાવીને રાખવી અને સંપૂર્ણ રીતે સૂકાયા બાદ વાળ ધોઈ નાખવા. આ પેસ્ટને વાળમાં મહિનામાં બે-ત્રણવાર લગાવવું. આમ કરવાથી વાળ સીધા અને ચમકદાર બને છે.