શિયાળો આવતા જ લીલવાની કચોરી યાદ આવી જાય. અને એમાય ગુજરાતીઓના ત્યાં શિયાળો હોય અને ક્રિસ્પી લીલવાની કચોરી બને નહીં એવું ભાગ્યે જ બને….તો આજે અમે તમને લીલવાની કચોરી બનાવાની સરળ રીત જણાવીશું.
સામગ્રી:
- 500 ગ્રામ લીલી તુવેરના દાણા
- અડધું નાળિયેર લીલું અથવા સૂકું
- 1 આદુનો ટુકડો,
- 5થી 6 નંગ લવિંગ, 2 ટુકડા તજ, 8થી 10 મરી
- ચપટી હીંગ
- 1 ચમચી આખા ધાણા
- 1 ચમચી વરિયાળી
- 1 ચમચી તલ
- 1 મોટા લીંબુનો રસ
- 3 ટેબલ સ્પૂન ખાંડ
- 2 ટેબલ સ્પૂન તેલ
- મીઠું સ્વાદ અનુસાર
લોટ માટે:
- 300 ગ્રામ ઘઉંનો લોટ
- 4 ટેબલ સ્પૂન તેલ
- મીઠું સ્વાદ અનુસાર
બનાવાની રીતઃ
સૌપ્રથમ તુવેરના દાણાને મિક્સર કે ચીલી કટરમાં છીણી લો.
ત્યારબાદ જાડા તળિયાવાળા પહોળા વાસણમાં અથવા ફ્રાઈંગ પેનમાં તેલ મૂકીને તેમાં હિંગનો વઘાર કરી તજ, લવિંગ, ધાણા, વરિયાળી, તલ એક પછી એક ઉમેરો.
બધુ સહેજ સાંતળો અને તેમાં કોપરું અને આદું-મરચાંની પેસ્ટ નાંખી ફરી એકાદ મિનિટ સુધી સાંતળો. હવે ક્રશ કરેલા તુવેરના દાણા નાંખીને બધો જ મસાલો મિક્સ કરી લો.
સારી રીતે બધું ભળી જાય એટલે તેમાં ખાંડ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. હવે 8થી 10 મિનિટ આ મિશ્રણને સતત હલાવતા રહો.
પાણી બળી જાય અને મસાલો સહેજ કોરો પડવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લો.
થોડુંક ઠંડું પડવા દો. ઠંડુ થાય પછી એના ગોળા બનાવી લો.
હવે એક ઊંડા વાસણમાં ઘઉંનો લોટ લઈ તેમાં જરૂર પ્રમાણે પાણી, મીઠું અને તેલ નાંખીને રોટલીના લોટ જેવો સહેજ ઢીલો લોટ બાંધી લો અને થોડી વાર તેને ઢાંકીને રાખો.
પછી તેમાંથી જાડી પૂરીઓ વણો અને તેમાં તુવેરના મિશ્રણના ગોળા મૂકીને કચોરી વાળી લો.
ગરમ તેલમાં મૂકીને ધીમે તાપે તળો. ટોમેટો કેચઅપ સાથે ગરમાગરમ પરોસો કરો.