Turmeric for white Hair: સફેદ વાળની સમસ્યા આજના સમયમાં કોલેજ જતા યુવાનોને પણ સતાવતી હોય છે.. લાઈફ સ્ટાઈલ અને પોષણયુક્ત આહારનો અભાવ હોવાથી માથાના વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. જો નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે તો તેને છુપાવવા માટે કલર કે ડાયનો ઉપયોગ પણ શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ જો તમે શરૂઆતથી જ કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરશો તો વાળ ડેમેજ થઈ જશે. કલરને બદલે સફેદ વાળને કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી કાળા કરવાનો આગ્રહ રાખવો જોઈએ. તેનાથી વાળને નુકસાન નહીં થાય. જો કેમિકલયુક્ત કલરનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં આવે તો તેનાથી વાળ ખરવા પણ લાગે છે.
હળદરથી વાળ કરો કાળા
જો તમારા વાળ ઝડપથી સફેદ થઈ રહ્યા છે અને તમે વાળને કાળા કરવા માટે કલર કરવાનું વિચારી રહ્યા છો તો આ જાણકારી તમારા માટે કામની છે. તમે સફેદ વાળને કાળા કરવા માટે હળદરનો ઉપયોગ કરી શકો છો. જાણીને નવાઈ લાગશે પરંતુ રસોઈની રંગત વધારતી હળદર સફેદ વાળને કાળા પણ કરી શકે છે. અને તે પણ કોઈપણ પ્રકારની આડઅસર વિના. હળદર ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આયુર્વેદમાં હળદર નો ઉપયોગ અલગ અલગ બીમારીઓમાં દવા તરીકે કરવામાં આવે છે. આ હળદર સફેદ વાળને કાળા કરવામાં પણ મદદ કરી શકે છે. સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય. સાથે જ વાળ કુદરતી રીતે કાળા થશે અને વાળની ચમક પણ વધી જશે.
હળદર અને નાળિયેર તેલ
વાળને કાળા કરવા માટે હળદરનો ઉપયોગ કરવો હોય તો એક ચમચી હળદર પાવડરને લોઢાની કઢાઈમાં લઈ ધીમા તાપે ગરમ કરો. હળદર જેમ જેમ શેકાતી જશે તેમ તે કાળી થવા લાગશે. જ્યારે હળદર સાવ કાળી થઈ જાય તો ગેસ બંધ કરી દો અને તેને ઠંડી થવા દો. તૈયાર કરેલા હળદરના પાવડરમાં નાળિયેર તેલ મિક્સ કરો. નાળિયેર તેલ તમારા વાળની લંબાઈ અને સફેદ વાળના પ્રમાણ અનુસાર લેવું. હવે હળદર અને તેલના આ મિશ્રણને સફેદ વાળ પર લગાવો. આ મિશ્રણને 20 મિનિટ માટે વાળમાં રહેવા દો અને પછી સાદા પાણીથી વાળ ધોઈ લો. ત્યાર પછી બીજા દિવસે વાળને શેમ્પુ કરો. તમે અનુભવશો કે તમારા સફેદ વાળ કાળા થઈ ગયા છે.
વાળની ચમક વધારવા મધ ઉમેરો
હળદર અને નાળિયેર તેલની સાથે તમે મધનો ઉપયોગ પણ કરી શકો છો. આ મિશ્રણમાં મધ ઉમેરવાથી વાળને જરૂરી પોષણ અને મોઈશ્ચર મળે છે. જે લોકોના વાળ ડ્રાય હોય તેમણે આ મિશ્રણમાં મધ ઉમેરી દેવું. પરંતુ એ વાત ખાસ યાદ રાખવી કે જે દિવસે આ મિશ્રણ માથામાં લગાવો તે દિવસે જ શેમ્પૂ ન કરવું. શેમ્પુનો ઉપયોગ બીજા દિવસે કરવો અને શેમ્પુ પણ માઈલ્ડ હોય તેવું વાપરવું. તો રિઝલ્ટ વધારે સારું મળશે.