ચોમાસું આવતા જ મોટાભાગના લોકોને વાળની અલગ અલગ પ્રકારની સમસ્યા થવા લાગે છે. જેમાં ઘણા લોકોને વાળ ખરવાની તો ઘણા લોકો ડેંડ્રફની સમસ્યા હોય છે. ચોમાસામાં વાળની ખાસ પ્રકારે સાચવણી કરવી પડે છે. ઘણા લોકો વાળની સાચવણી કરતા નથી અથવા હેર સ્ટાઈલ કરવા માટે હીટિંગ ટુલ્સનો ઉપયોગ કરે છે. જેના કારણે વાળ ખૂબ જ નબળા પડી જાય છે અને વાળ ખરવા લાગે છે. ડેમેજ વાળને મજબૂત, સ્મૂધ અને હેલ્ધી બનાવવા માટે તમે ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. હોમ રેમેડીઝની વાત કરવામાં આવે તો સૌથી પહેલા તમારે મસાજ થેરાપી લેવી જોઈએ. ઘરે બનાવેલ કલોંજીના તેલથી વાળમાં મસાજ કરો. આ કરવાથી તમારા વાળ પર ખૂબ જ સારી અસર જોવા મળશે. આ તેલના મસાજથી વાળ જડમૂળથી મજબૂત થાય છે. ઘરમાં ખૂબ જ સરળ રીતે કલોંજીનું તેલ બનાવી શકાય છે. જો ચોમાસામાં તમારા વાળ ખરી રહ્યા છે, તો કલોંજીના તેલનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ.
કલોંજીનું તેલ બનાવવા માટે એક ચમચી કલોંજી, એક મોટી ચમચી મેથી, 200 ml નારિયેળનું તેલ, 50 ml દીવેલ અને કાચની બોટલની જરૂરિયાત રહેશે. સૌથી પહેલા કલોંજી અને મેથીને મિક્સર ક્રશ કરીને પાઉડર બનાવી લો. આ પાઉડર એક વાટકીમાં કાઢી લો.
આ પાઉડર, નારિયેળ તેલ અને દીવેલને મિશ્ર કરી લો. ત્યારબાદ આ તેલને કાચની બોટલમાં ભરી લો અને બેથી ત્રણ સપ્તાહ સુધી આ તેલ તડકામાં રાખો. ત્રણ સપ્તાહ બાદ તમારું કલોંજીનું તેલ તૈયાર છે. સપ્તાહમાં બે વાર આ તેલ વાળમાં લગાવો. આ તેલ એક કલાક સુધી વાળમાં લગાવી રાખો અને ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઈ લો. થોડા દિવસ બાદ આ તેલની અસર દેખાવા લાગશે.